ખંભાળિયા નજીક ટર્બાઇન સાથેના ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, યુવાનનું મૃત્યુ
ખંભાળિયા - ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર માંઝા ગામના પાટીયા પાસેથી જી.જે. 37 ટી. 4387 નંબરના બોલેરો પિકઅપ વાહનમાં માંડવીનો ભૂકો ભરીને કાલાવડથી સિક્કા તરફ જઈ રહેલા દેવરખીભાઈ મેરામણભાઈ પિંડારિયા નામના 45 વર્ષના યુવાનના વાહન સાથે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા જીજે 12 એ.ટી. 9191 નંબરના વિશાળકાય પવનચક્કીના તોતિંગ ટર્બાઇન મશીન સાથે જઈ રહેલા ટ્રકના ચાલકે અકસ્માત સર્જતા દેવરખીભાઈનું બોલેરો વાહન રોડની એક બાજુ ઉતરીને એક વીજપોલ સાથે ટકરાયું હતું.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા દેવરખીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આ વાહનમાં જઈ રહેલા અન્ય બે મુસાફરો અને રામદેભાઈ રામભાઈ ધૂત અને તેમની પુત્રી મીરાબેન રામદેભાઈ ધૂતને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના નાનાભાઈ દેવશીભાઈ મેરામણભાઈ પિંડારિયા (ઉ.વ. 40, રહે. જૂની ફોટ) ની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે બી.એન.એસ. અને એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.