સુરેન્દ્રનગરના દસાડા પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે સર્જાયેલો અકસ્માત: એકનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા કઠાડા વચ્ચે ટ્રેલર અને ડીઝલ ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં ટ્રેલર અને ડીઝલ ટેન્કર બંને રોડ પર પલ્ટી ખાઈ ગયા હતા. દસાડા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને દસાડા વચ્ચે અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે, ત્યારે પાટડી તાલુકાના કઠાડા ગામનો 29 વર્ષનો યુવાન મહેશ નાનુભાઈ વણોલ ડીઝલ ટેન્કર લઈને કઠાડાથી ગવાણા પેટ્રોલ પમ્પ પર જઈ રહ્યો હતો. ત્યારે સામેથી માતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા ટ્રેલર અને ડીઝલ ટેન્કર વચ્ચે સામસામે ગોઝારો અકસ્માત સર્જાતા ડીઝલ ટેન્કર રોડ પર જ પલ્ટી ખાઈ જતા ડીઝલ ટેન્કર ચાલક મહેશ નાનુભાઈ વણોલને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ જતા પાટડી દસાડા હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં દસાડા પોલીસ મથકના મનીષભાઈ અઘારા અને નશરૂૂદિન સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાન મહેશ નાનુભાઈ વણોલની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યાં છે.