જૂનાગઢ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, રાજકોટના મહિલા સહિત બેનાં મોત
આડસ રાખ્યા વગર ડિવાઇડર પાસે ટ્રક ઉભો હતો, કાર પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો
જૂનાગઢ પાસેના વધાવી પાસે રવિવારે સાંજે રાજકોટની કાર, ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મહિલા સહિત 2નાં મોત થયાં હતાં અને મૃતકના આધેડ પતિને પણ ઇજા જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં રામેશ્વર પાર્ક, રામેશ્વર મેઇન રોડ, રામેશ્વર હોલ સામે નાણવટી ચોકની બાજુમાં રહેતા પ્રાઇવેટ નોકરી કરતા 54 વર્ષીય રફિકભાઇ શેરમહમદભાઇ રહીશ, તેના 55 વર્ષીય પત્ની ફરીદાબેન તથા 35 વર્ષીય ચાલક તથા મિત્ર મહેશગીરી ભીખુગીરી ગોસ્વામીની જીજે 06 સીડી 0700 નંબરની કારમાં રવિવારે સવારે 7 વાગ્યે રાજકોટથી નીકળી જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના રફિકભાઈના બહેનના બેસણામાં ગયા હતા.
અને માળીયાથી સાંજે 4 વાગ્યે રાજકોટ જવા માટે નીકળ્યા હતા અને જૂનાગઢ નવા બાયપાસ નેશનલ હાઇવે પર વધાવી ગામ પાસે રોડ પર સાંજે 5:30 વાગ્યે પહોંચતા રોડ પર મારુતિનંદન હોટલ પહેલા કાર અને બીજો ટ્રક રાજકોટ તરફ જતો હોય તે દરમિયાન કોઈપણ જાતની આડસ રાખ્યા વગર રોડ પર ડિવાઈડર પાસે જીજે 02 એકસએક્સ 1063 નંબરનો ટ્રક ઉભો રાખેલ હોય તે ટ્રકની પાછળ કાર અથડાઈ હતી.
અકસ્માતમાં રફિકભાઈ, ફરીદાબેન તથા મહેશગીરીને ગંભીર ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ફરીદાબેન અને મહેશગીરીનું મૃત્યુનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત અંગે રફીકભાઈ રહીશની ફરિયાદ લઈ તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે કાર્યવાહી કરી પીએસઆઇ એસ. કે. ડામોરે તપાસ હાથ ધરી હતી.