કુવાડવા GIDC નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત : બાળકી સહિત 5 ઘવાયા
રાજકોટ- અમદાવાદ હાઈવે પર કુવાડવા જીઆઇડીસી ઓવર બ્રિજ પાસે એક કાર એકાએક રોડની વચ્ચોવચ ઊભી રહી જતા પાછળથી આવી રહેલ રીક્ષા કાર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં રીક્ષામાં સવાર આઠ વર્ષની બાળકી, વૃદ્ધા સહિત પાંચને ઇજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે રૂૂખડીયાપરા ફાટક પાસે રહેતા બાળકીના પિતાની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર કુવાડવા જીઆઇડીસી ઓવરબ્રિજ પાસે એક કાર રોડની વચ્ચોવચ અચાનક ઊભી રહી જતા પાછળથી આવી રહેલી રીક્ષા કાર સાથે અથડાઈ હતી અને રીક્ષા પલટી ખાઈ જતા રિક્ષામાં સવાર આઠ વર્ષની બાળકી શિવનિયા રવિભાઈ સોલંકી (રહે. રૂૂખડીયાપરા હાટક પાછળ) તથા રીક્ષાચાલક શૈલેષભાઈ તેમનું નાનાભાઈ પીન્ટુ તથા સવિતાબેનને ઇજાઓ પહોંચતા જે ગાડી અકસ્માત સર્જ્યો હતો તે જ ગાડીમાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધા સવિતાબેનને આંખે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ આકાશભાઈને જમણા હાથે અને પીઠના ભાગે તથા શૈલેષભાઈ અને પીન્ટુ ભાઈને પગમાં ઇજાઓ પહોંચી હતી. આઠ વર્ષની બાળકીને હાથમાં ફ્રેકચર થઈ ગયું હતું.
રૂૂખડીયાપરા ફાટક પાસે રહેતા રવિભાઈ મનોજભાઇ સોલંકી(ઉ.વ 30) દ્વારા આ મામલે કાર નંબર જીજે 3 એલઆર 2239 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તા. 18 ના સાંજના ચારેક વાગ્યે આસપાસ તેમના માસીયાઇ ભાઇ શૈલેષભાઈના મિત્ર લાલજીભાઈની રીક્ષા નંબર જીજે3 બીએકસ 3759 લઈ સગા સંબંધીઓ ચોટીલા પાસે આવેલ હડમતીયા ગામ ખાતે રહેતા સંબંધીના ઘરે માતાજીના માંડવામાં ગયા હતા. બાદમાં ગઇકાલે સવારના ઘરે પરત ફરતા હતા ત્યારે અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી છે.
