દીકરાની દિવ્યાંગતા સ્વીકારી..ર્ક્યો માતૃત્વનો મંત્ર સાકાર
દિવ્યાંગ બાળકો પ્રત્યે દયા કે સહાનુભૂતિ દાખવવાના બદલે તેમને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ છે બીજલબેન હરખાણી
મંત્ર ફાઉન્ડેશનમાં બાળકોને અભ્યાસ સાથે ડાન્સ, યોગ,મ્યુઝિક, કૂકિંગ, કમ્પ્યુટર,આર્ટ એન્ડ ક્રાફ્ટ શીખવે છે બીજલબેન હરખાણી
અત્યારે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના ખૂબ જાણીતા એવા ગણપતિના પંડાલમાં બાળકો દ્વારા ધમાકેદાર પર્ફોર્મન્સ કરવામાં આવ્યું. આ બાળકો સ્પેશિયલ ચાઈલ્ડ એટલે કે દિવ્યાંગ બાળકો હતા. સ્ટેજ પર તેમનો ઉત્સાહ તેમની એનર્જી અને ડિસિપ્લિન ખરેખર જોવા,માણવા લાયક હતા.પર્ફોમન્સ પૂરું થતાં જ તેમના મેન્ટોર, ટીચરની આંખમાંથી આંસુ વહી ગયા. આ આંસુ ખુશીના હતા કારણ કે જે બાળકોને સમાજના લોકો અવગણે છે, ઘણી વખત તિરસ્કૃત કરે છે એવા બાળકોએ આજે આત્મવિશ્વાસપૂર્વક સમાજના મહાનુભાવો વચ્ચે પોતાની આવડત દર્શાવી અલગ ઓળખ બનાવી હતી. આ ટીચર એટલે મંત્ર ફાઉન્ડેશનના સ્થાપક બીજલબેન હરખાણી. તેમનો જન્મ અને અભ્યાસ ભાવનગરમાં થયો.
આર્થિક પરિસ્થિતિ મધ્યમ હતી છતાં સ્વાધ્યાયના અને માતા-પિતાના સંસ્કારને કારણે પરિશ્રમને જ પ્રાધાન્ય આપ્યું. તેઓને ભણાવવા અને આગળ વધારવા ભાઇનો ફાળો ખૂબ મહત્વનો છે. તેઓએ એમએસસી માઇક્રોબાયોલોજી સુધીનો અભ્યાસ કરીને બે વર્ષ પેથોલોજીકલ લેબમાં પણ કામ કર્યું. લગ્ન પછી લેબ ખોલવાનો અને વિદેશ સ્થાયી થવાનો વિચાર હતો પરંતુ પ્રથમ બાળક મંત્રનો જન્મ થયો અને જાણે જિંદગી બદલાઈ ગઈ કારણ કે મંત્ર એ સામાન્ય બાળક નહોતો,મંત્રને જન્મથી ડાઉન સિન્ડ્રોમ જીનેટિકલી ડિસઓર્ડર હતો તેથી તેની વિશેષ કાળજી રાખવી ખૂબ જરૂૂરી હતી. એ સમયનો અનુભવ વર્ણવતા તેઓ જણાવે છે કે પ્રથમ બાળકના આગમનની માતા-પિતા આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે ત્યારે દિવ્યાંગ બાળકનો જન્મ થાય એ હકીકત સ્વીકારવી ખૂબ મુશ્કેલ બની જાય છે. ત્રણ ચાર વર્ષ ખૂબ નકારાત્મક વિચારો આવ્યા.હું જ શા માટે? મારે જ આવું બાળક કેમ? એવા વિચારો ઘેરી વળતા. પ્રારંભમાં ટ્રીટમેન્ટ, સર્જરી, થેરપી, મેડિસિન વગેરે કર્યું પણ જ્યારે શાળાએ જવાનો સમય આવ્યો ત્યારે ફરી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.આવા બાળકને શીખવા, ભણવામાં વધુ સમય લાગે. સામાન્ય બાળક સાથે ભણાવવા કોઈ તૈયાર થાય નહીં. આ બધી મુશ્કેલીઓના હલ સ્વરૂૂપ દીકરાના નામથી મંત્ર ફાઉન્ડેશનની સ્થાપના થઈ.
સતત નવું શીખતા રહેવાના સ્વભાવના કારણે તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એડ. કર્યું જેમાં ટોપર રહ્યા.સ્પેશિયલ એજ્યુકેશનમાં ભાવનગરથી બી.એડ. કર્યું ત્યારે નક્કી કર્યું કે ફક્ત મંત્ર જેવા જ નહીં પરંતુ બધી જ ડિસેબિલિટી ધરાવતા હોય તેવા બાળકો માટે કામ કરવું છે. આ વિચારથી તેઓએ અમદાવાદમાં ક્રોસ ડિસેબિલિટી ઈન્ક્લુઝિવ એજ્યુકેશનનો છ મહિનાનો કોર્સ કર્યો રીહેબિટેશન કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા તરફથી સીઆરઈ એટલે કે કન્ટીન્યુઅસ રીહેબિટેશન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત દર પાંચ વર્ષે સો પોઇન્ટ કલેક્ટ કરવા માટે જુદા-જુદા શહેરોમાં ટ્રેનિંગ પ્રોગ્રામમાં જવાનું હોય છે. પીએનઆર સોસાયટી ભાવનગરમાં પણ એસેસમેન્ટ કેમ્પમાં પણ હાજરી આપે છે.
રાજકોટમાં ઈન્દિરા સર્કલ નજીક મંત્ર ફાઉન્ડેશનમાં સવારે 8:30 વાગ્યાથી જ બાળકો સાથેની તેમની પ્રવૃત્તિ શરૂૂ થઈ જાય છે. બીજી બેચ સાંજે હોય છે. અહીં બાળકોને અભ્યાસ સાથે ડાન્સ, યોગ, મ્યુઝિક, કુકિંગ, કમ્પ્યુટર, આર્ટ એન્ડ ક્રાફ્ટ દરેક વસ્તુ શીખવવામાં આવે છે. અહીં બધા જ તહેવારો, ઇવેન્ટની ઉજવણી કરીએ છીએ. શાળાની જેમ અહીં ચોક્કસ ફી લઈએ છીએ એટલે બાળકોને વધુ ફેસિલિટી આપી શકીએ છીએ. દાનનો સ્વીકાર કરતા નથી આ વાત માતા પિતાને પણ ગમે છે.
દીકરા વિશે તેઓ જણાવે છે કે અમે મંત્રને એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ એટલે કે એડીએલ જેમાં બાળકને જમવા, ખાવા,પીવા,નાહવાનું, હેર કોમ્બ કરવા બધું જ શીખવ્યું છે એટલે કોઈ પર નિર્ભર રહેવું ન પડે. બહાર જવાનું થાય તો દાદી પાસે પણ મંત્ર એકદમ સરસ રીતે રહે છે.અમારા પરિવારમાં સાસુ, સસરા દરેકે મંત્રનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો છે એ બહુ મહત્વનું છે. બીજો દીકરો જૈમીન 12મા ધોરણમાં ભણે છે અને બંને ભાઈઓ વચ્ચે ખૂબ લગાવ છે.એક બાળક દિવ્યાંગ હોય ત્યારે ખાસ બીજા બાળકને જન્મ આપવાનું મારું સૂચન છે.બીજા બાળક સાથે દિવ્યાંગ બાળકની ભવિષ્યની ચિંતા ઓછી થાય છે પણ હા બંને બાળકની સરખામણી ક્યારેય ન કરો.બંને બાળકનો સ્વતંત્ર રીતે ઉછેર થાય તેનું ધ્યાન રાખો.
દીકરો મંત્ર પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એવોર્ડથી લઈને નાની ઉંમરમાં વર્લ્ડ સમર ઓલિમ્પિક તેમજ સ્ટેટ,નેશનલ લેવલની અનેક સ્પર્ધામાં અવ્વલ છે તેમાં બીજલબેન સાથે તેમના પતિ જીતેન્દ્રભાઈનો પણ મોટો ફાળો છે. ખાનગી બેંકમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતી વખતે ટ્રાન્સફર થઈ અને એ જ સમયે દીકરાને ઓલિમ્પિકમાં જવાનું હતું ત્યારે તેઓએ નોકરીને અલવિદા કરી અને દીકરાને સાથ આપ્યો અત્યારે પતિ પત્ની બંને મંત્ર ફાઉન્ડેશન દ્વારા અનેક દિવ્યાંગ બાળકોને પોતાના મંત્ર જેવા જ સમજીને દરેક રીતે સક્ષમ બનાવવા માટે પ્રયત્નશીલ છે.બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દયાની નહીં પ્રોફેશનલ તકની જરૂર
બીજલબેનની સૌથી મોટી ફરિયાદ એ છે કે આ બાળકને લોકો સહાનુભૂતિથી પૈસા,દાન, ભોજન આપે છે પરંતુ તેમ કરવાના બદલે તેમને કામ આપી આત્મવિશ્વાસ વધારો.જેમ કોઈ પ્રસંગમાં કલાકારોને પેઈડ બોલાવવામાં આવે છે તે જ રીતે બાળકોને પ્રોફેશનલી પર્ફોર્મ કરવા બોલાવો. ડાન્સમાં બાળકો સારું કામ કરી શકે છે, ફૂડ સર્વિંગમાં પણ સારું કામ કરી શકે છે.પ્રોફેશનલી તેમનો સ્વીકાર થાય તે ખૂબ જરૂૂરી છે.
વીડિયો દ્વારા જાગૃતિ અને માહિતી
‘સુપર મોમ બાય બીજલ હરખાણી’ આ યુટ્યુબ ચેનલ બાબત તેઓ જણાવે છે કે આ ચેનલ નો પ્રારંભ કરવાનો હેતુ ફક્ત અને ફક્ત માતા-પિતાને જાગૃત કરવાનો અને મદદરૂૂપ થવાનો છે.દિવ્યાંગ બાળકનો જન્મ થવાના કારણો, તેના પ્રકારો, તેમની ખામી,અભ્યાસ તેમની આવડત,સોશિયલ સ્કિલ વગેરે અનેક વિષય પર વીડિયો બનાવવામાં આવ્યા છે.દિવ્યાંગતા વિશે અંગ્રેજી વિષયમાં ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે પરંતુ ગુજરાતી ભાષામાં ન હોવાથી ગુજરાતી ભાષામાં ખૂબ જ નાની નાની માહિતી જે દિવ્યાંગ બાળકોના માતા-પિતાને ઉપયોગી થાય, પ્રેરણા મળે અને તેઓમાં બાળકને લઈને હિંમત અને ઉત્સાહનો સંચાર કરે તે પ્રકારના વીડિયો બનાવ્યા છે.
Written By: Bhavna Doshi