ભ્રષ્ટ અધિકારી સામે ACBની તપાસ તેના જવાબને આધારે નક્કી કરાશે
ગુજરાત સરકારના ઓપરેશન ગંગાજળ બાદ અનેક અધિકારીઓ સામે અરજીઓ આવતા પ્રાથમિક તપાસ સંદર્ભે ગાઇડલાઇન જાહેર
મુખ્યમંત્રી કે મંત્રી કર્મચારી સામે ફરિયાદ કરે તો વિભાગના સચિવે તપાસ કરવી પડશે
રાજ્યના સરકારી અધિકારી અને કર્મચારીઓ સામેની પ્રાથમિક તપાસ સંદર્ભે સરકારે નવેસરથી સૂચનાઓ જારી કરી છે. જેમાં ફરિયાદની અરજી સંદર્ભે એસીબી કે અન્ય એજન્સી મારફતે વધુ તપાસ કરાવવી જરૂૂર લાગે તો તે પહેલા આક્ષેપિત અધિકારી-કર્મીને શો-કોઝ નોટિસ પાઠવી તેમના જવાબના આધારે એસીબીને તપાસ સોંપવી કે અરજી દફતરે કરવી તેનો નિર્ણય લેવાનો રહેશે તેમ નક્કી કરાયું છે. તે સાથે કોઇ પ્રમાણિક અધિકારી બિનજરૂૂરી પરેશાન ન થાય અને ખોટી ફરિયાદ કરનારાને ઉત્તેજન ન મળે તેની તકેદારી રાખવા પણ જણાવાયું છે. મુખ્યમંત્રી કે મંત્રીએ અધિકારી-કર્મી સામે તપાસની સૂચના આપી હોય તો વિભાગના સચિવે તપાસ કરાવી પોતાના સ્પષ્ટ અભિપ્રાય સાથે તેમને તપાસ અહેવાલ રજૂ કરી જરૂૂરી કાર્યવાહી કરવાની રહેશે તેમ પણ જણાવાયું છે.
સરકારમાં ઓપરેશન ગંગાજળ ચાલી રહ્યું છે અને અનેક અધિકારી-કર્મચારી સામે આક્ષેપો કરતી સાચી-ખોટી અરજીઓ સરકારને મળી રહી છે તે સંજોગોમાં સરકારના સામાન્ય વહીવટ વિભાગે અગાઉના કેટલાક ઠરાવ-પરિપત્રો રદ કરીને 17-6-2025એ જારી કરેલી પ્રાથમિક તપાસ અંગેના નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં જણાવાયું છે કે ફરિયાદ કરનારાની ઓળખ ગુપ્ત રહે તે બાબતે શિસ્ત અધિકારીએ કાળજી લેવાની રહેશે. જો જે તે કર્મી સામે અન્ય કોઇ કચેરીમાં અરજી મળે તો તે વિભાગના વડાએ પોતે કોઇ તપાસની કાર્યવાહી કર્યા વિના સંબંધિત વિભાગના વડાને મોકલી આપવાની રહેશે. જે અરજી કે ફરિયાદો નામી એટલે કે સાચા નામ-સરનામા સાથેની હશે તેમાં આક્ષેપો અંગે તપાસ જરૂૂરી છે કે દફતરે કરવા લાયક છે તે અંગે વિભાગના વડાએ મહત્તમ એક મહિનામાં નિર્ણય લેવાનો રહેશે. બેનામી અરજીની ફરિયાદમાં દ્રેષવૃતિ હોય કે કોઇ તથ્ય ન હોય તો તેને સીધી દફતરે કરવાની રહેશે.
કલાસ 1 અને 2 અધિકારી સાથે સચિવ, કલાસ 3 સામે ખાતાના વડા નિર્ણય લેશે
નામી અરજીમાં વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓના કેસમાં વિભાગના સચિવ અને વર્ગ-3ના કર્મીના કેસમાં ખાતાના વડા કે નિમણૂક અધિકારી નિર્ણય લેશે. વર્ગ-4ના કર્મીના કેસમાં વર્ગ-2થી નીચલી કક્ષાના ન હોય તેવા વહીવટી કે કચેરીના વડા આખરી નિર્ણય લેશે. અરજદારને રજૂઆત કરવાની યોગ્ય તક આપ્યા પછી હાજર ન થાય કે વાજબી પુરાવા ન આપે તો ફરિયાદની પ્રાથમિક ખરાઇ કરીને તેને દફતરે કરવી કે તપાસ માટે ભલામણ કરવી તેનો નિર્ણય લેવાનો રહેશે.
પ્રાથમિક તપાસ મહત્તમ છ મહિનામાં પૂર્ણ કરવી પડશે
- પ્રાથમિક તપાસ સામાન્ય રીતે ત્રણ મહિનામાં અને વધુ તપાસની જરૂૂર હોય તો મંજૂરી લઇ મહત્તમ કુલ છ મહિનામાં પૂર્ણ કરવાની રહેશે.
- ખાતાની પદ્ધતિ-નિયમોથી જાણકાર નિષ્પક્ષ અધિકારીને નામજોગ તપાસ સોંપવી.
- તપાસ બાદ ખાતાકીય કે અદાલતી કાર્યવાહી કરવાની થાય તો અહેવાલ ચોકસાઇભર્યો જરૂૂરી.
- આક્ષેપિત કર્મીનો ફરિયાદ સામેનો ખુલાસો મહત્તમ 30 દિવસમાં મેળવવો અને કર્મી દોષિત જણાય તો તેના ખુલાસા માટે 15 દિવસનો સમય આપવો.