દિવાળીએ મોંઘી ભેટ-સોગાદો લેતા અધિકારીઓ પર ACB રાખશે નજર
ACB એ સરકારી કચેરીઓમાં ખાનગી વોચર્સ ગોઠવ્યા: ચાલુ માસમાં 8 લાંચિયા કર્મચારી અને અધિકારી પકડાયા
દિવાળીના પર્વ દરમિયાન ભ્રષ્ટાચારીઓને કાબુમાં લેવા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એસીબીએ તમામ સરકારી કચેરીમાં પોતાના ખાનગી વોચર્સ ગોઠવ્યા છે. એસીબી દ્વારા ઓક્ટોબરના 13 જ દિવસમાં આઠ લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓને ઝડપી લીધા છે. તહેવાર ટાણે જ એસીબીની કાર્યવાહીથી લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.
ACB ના મદદનીશ નિયામક જી.વી. પઢેરિયાએ કહ્યું હતું કે,દિવાળીના તહેવારોમાં કંપનીઓ કે કોર્પોરેટ ગ્રુપો દ્વારા અધિકારીઓને કિંમતી ભેટ સોગાદો ધરવામાં આવતી હોય છે. બાબુઓને ખુશ રાખવા માટે ભેટ સોગાદો અપાતી હોય છે. ત્યારે આવી ભેટ સોગાદો કયા અધિકારીઓ સ્વીકારે છે તેની માહિતી એકઠી કરવા માટે હવે એસીબી દ્વારા સરકારી કચેરીઓમાં વોચ ગોઠવવામાં આવી છે. જેથી કોઈ પણ કંપની વ્યક્તિ કે ઔદ્યોગિક કે કોર્પોરેટ ગ્રુપ દ્વારા સરકારી અધિકારીઓને દિવાળી નિમિત્તે આપવામાં આવતી લાંચ કે કીમતી ભેટ સોગાદોના વ્યવહારો રોકી શકાય અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે.
અમદાવાદની સુભાષ બ્રિજ RTO કચેરીની જુનિયર કલાર્ક સ્વાતિબેન રાઠોડને ડુપ્લીકેટ આર.સી.બુક માટે ડોક્યુમેન્ટ વેરિફાઈ અને એપ્રુવલના નામે 800 રૂૂપિયાની લાંચ લેતા પકડી પાડી છે. આ ઉપરાંત અરવલ્લીના મેઘરજમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના હપ્તા માટે કમિશન માંગનાર આઉટસોર્સ કર્મી નરેશ પટેલ અને ગ્રામસેવકને 52 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતાં.
નડિયાદમાં SCST સેલના ASI જયદીપ સોઢાને 4 લાખની લાંચ લેતા ગાંધીનગર ACB એ રંગેહાથે ઝડપી લીધા હતાં. નવસારીમાં એક પોલીસ કોન્સ્ટેબલ એક લાખની લાંચ લેતા ઝડપાયો હતો. ખેરગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોર્ડના કોન્સ્ટેબલ દિવ્યેશ પટેલની લાંચના ગુનામાં ધરપકડ કરાઈ હતી.