વિદ્યાર્થીના આપઘાતના વિરોધમાં ડાંગર કોલેજમાં ABVPની તોડફોડ
ચાલુ કલાસે છાત્રોને બહાર કાઢી વર્ગખંડને તાળા મારી કોલેજ બંધ કરાવી: ધરણાં, ઉગ્ર સૂત્રોચ્ચાર અને કાચ તોડી વિરોધ પ્રદર્શન : ન્યાય આપવા માગણી
જામનગર રોડ પર આવેલી બી.એ.ડાંગર મેડીકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પાસ કરાવવા પૈસા માંગવામાં આવ્યાં હોવાના આક્ષેપ થયા છે. આ બાબતે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા કોલેજમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને કોલેજ બંધ કરાવી તોડફોડ કરી હતી.
રોષે ભરાયેલા વિદ્યાર્થી સંગઠનના નેતાઓ દ્વારા કોલેજમાં વિરોધ પ્રદર્શન અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતાં. વિદ્યાર્થીઓને ચાલુ કલાસે બહાર કાઢી તાળાબંધી કરી અને કોલેજ બંધ કરાવી હતી. આ દરમ્યાન મામલો વધારે બિચકતા વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં તોડફોડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા બારી-બારણા અને ઓફિસનાં કાચમાં તોડફોડ કરાય હતાં અને ધરણા પ્રદર્શન કરી વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.
વિરોધ દરમ્યાન એબીવીપીનાં મંત્રી પુષ્પરાજ ઝાલાએ જણાવ્યું હતું કે ડાંગર કોલેજમાં પાસ કરાવવા માટે છાત્રો પાસેથી રૂપિયા લેવામાં આવે છે અને રૂપિયા લઈ પાસ કરાવાય છે. ડો.હરેશ જોગરાજીયા ચોરી કરાવવાના રૂપિયા લેતાં હોય તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. મૃતક છાત્રા પર દેણુ હતું કે નહીં તેની જાણ નથી પરંતુ આ કેસમાં છાત્ર અને તેના પરિવારને ન્યાય મળવો જોઈએ.
તાકીદે કાર્યવાહી કરવા કુલપતિને રજૂઆત
છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એ.ડાંગર કોલેજમાં પૈસા આપી વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરવા અથવા પરીક્ષામાં લખાવવા જેવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. કોલેજના સંચાલકો દ્વારા અવારનવાર કરવામાં આવતાં ટોર્ચરના લીધે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવે છે અને આ પ્રકારના પગલાઓ ભરે છે ત્યાં સુધી આંખ ઉઘડતી નથી, સમગ્ર ઘટનામાં પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાનું સામે આવે છે, તો સતત વિવાદમાં આવવા છતાં શા માટે આવી કોલેજો સમક્ષ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી ? વિદ્યાના ધામને ધંધો બનાવી બેઠેલા સંચાલકો સમક્ષ કોઈ પણ કાર્યવાહી થતી નથી, કોઈ વિદ્યાર્થી મોતને વાલુ કરી લે ત્યાં સુધી સંચાલકો તેને છોડતા નથી તેમ છતાં કોઈ પણ જાતની તેના ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી ! તાત્કાલિક ધોરણે આવી કોલેજોની મંજુરી રદ કરો. તેવી રજૂઆત છાત્ર આગેવાન અંકિતકુમાર સોંદરવા દ્વારા કુલપતિને કરાય હતી.