અબુધાબી-મેંગલોર ફલાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફલાઈટમાં મુસાફરને છાતીમાં દુ:ખાવો ઉપડતાં એરક્રાફટ રાજકોટ ડાયવર્ટ કરાયું
અબુધાબીથી મેંગલોર જતી ઈન્ડીગોની ફલાઈટનું રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. અબુધાબીથી મેંગલોર જતાં એક મુસાફરને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં ઈન્ડિગોની ફલાઈટને તાત્કાલીક રાજકોટ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી અને સવારે 9.07 મીનીટે ઈન્ડીગોની ફલાઈટનું રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડીંગ થયું હતું. જ્યાં મેડીકલ ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ સહિતનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો અને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરનાર પેસેન્જર અને તેની સાથેના બે સભ્યોને રાજકોટ એરપોર્ટ ઉપર ઉતારવામાં આવ્યા હતાં અને એમ્બ્યુલન્સમાં દર્દીને રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે સવારે અબુધાબીથી મેંગલોર જતી ઈન્ડીગોની ફલાઈટના ઈમરજન્સી લેન્ડીંગ માટેની મંજુરી એટીસી પાસે માંગવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફલાઈટ કે જે અબુધાબીથી મેંગલોર જતી હોય જેમાં મુસાફરી કરી રહેલા મહમદઅલી અબ્દુલ્લાહ નાગીને છાતીમાં દુ:ખાવો થતાં આ ફલાઈટને તાત્કાલીક રાજકોટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી. ઈન્ડીગોની આ ફલાઈટને રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર લેન્ડીંગ માટેની મંજુરી માંગવામાં આવતાં એટીસીએ જરૂરી કાર્યવાહી બાદ ફલાઈટને લેન્ડીંગ માટેની પરવાનગી આપી હતી અને સવારે 9.07 મીનીટે ઈન્ડીંગોની અબુધાબી મેંગલોર ફલાઈટનું રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડીંગ થયું હતું.
બીજી તરફ મેડીકલ ઈમરજન્સી અંગે એટીસી તેમજ એરપોર્ટ ઓર્થોરિટીએ તાત્કાલીક વ્યવસ્થા કરી હતી અને રન-વે ઉપર જ એમ્બ્યુલન્સ અને મેડીકલ ટીમને તૈનાત રાખવામાં આવી હતી. જરૂરી પ્રક્રિયા બાદ અબુધાબીથી મેંગલોર જતાં મુસાફર અને તેના પરિવારના બે સભ્યોને રાજકોટ એરપોર્ટ ખાતે ઉતારવામાં આવ્યા હતાં. જ્યાં ટર્મિનલ ખાતેની જરૂરી પ્રક્રિયા બાદ એમ્બ્યુલન્સમાં દર્દીને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુધ્ધ જેવા માહોલ વખતે આંતરરાષ્ટ્રીય ફલાઈટ કે જે કરાંચી ઉપરથી ઉડાન ભરતી હતી તેનો રૂટ બદલવામાં આવ્યો હતો.
જેના કારણે રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને 24 કલાક માટે ખુલ્લુ રાખવા ઉડ્ડયન મંત્રાલયે સુચના કરી હોય ત્યારે આજે અબુધાબીથી મેંગલોર આ નવા રૂટ ઉપર ઉડાન ભરતી ઈન્ડીંગોની ફલાઈટનું મેડીકલ ઈમરજન્સીના કારણે રાજકોટ ખાતે ડાયવર્ટ કરીને હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરવામાં આવ્યું હતું. દર્દી અને તેના સગાને ઉતારી આ ફલાઈટે ફરીથી મેંગલોર માટે ઉડાન ભરી હતી.