જસદણમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવતાં સારવારમાં મોત
જસદણમાં મહાદેવ મંદિરના પાછળના ભાગે અવાવરૂ વિસ્તારમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જો કે ગંભીર હાલતમાં રહેલી નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જસદણમાં ભુતડા મહાદેવ મંદિર પાછળ રાત્રીના સમયે અવાવરૂ વિસ્તારમાંથી બાળકનો રડવાનો અવાજ આવતો હોવાથી તપાસ કરતાં એક ચાદરમાં ત્યજી દેવાયેલું નવજાત શીશુ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ દોડી ગઈ હતી અને 108ને બોલાવી હતી. 108ના સ્ટાફ દ્વારા નવજાત શિશુને સ્થળ ઉપર સારવાર આપી બાદમાં જસદણ હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. દરમિયાન રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન નવજાત બાળકીએ દમ તોડી દેતાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગે જસદણ પોલીસે બાળકીને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ નવજાત શીશુને ત્યજી દેનાર માતા સામે લોકોમાં ફીટકાર વરસી રહ્યો છે.