સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણી લડશે આપ
ઉમેદવારીપત્રક જાહેર કર્યુ, લોકોને આગળ આવવા આહવાન
આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ સંયુક્ત રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર જાહેર કર્યું હતું. આ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરતા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે દસ વર્ષથી દિવસ રાત મહેનત કરીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આજે એક વિકલ્પ બનીને ઉભરી છે.
ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે છતાં પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો, શ્રમિકો, યુવાનો, કર્મચારીઓ, મહિલાઓ અને વ્યાપારીઓ સહિત દરેક વર્ગ ભાજપના શાસનથી પરેશાન છે. એવા સમયમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને ઊભરી છે. ગુજરાત જોડો સદસ્યતા અભિયાનને સમગ્ર રાજ્યમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ગુજરાત જોડો જનસભાઓમાં સામાજિક આગેવાનો, ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો આપ સાથે જોડાઈ રહ્યા છે. આપનું માનવું છે કે આ ગુજરાત જોડો અભિયાનથી ગુજરાતમાં એક નવી રાજકીય લહેર ઊભી થઈ છે અને લોકો બદલાવ માટે આતુર છે.
તેમણે ઉમેર્યું હતું કે આશરે ત્રણ મહિના બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થશે અને આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકાની 10,000થી વધુ સીટો પર ચૂંટણી લડશે. ગુજરાતમાં બદલાવ લાવવા માટે તત્પર તથા ભાજપના ભ્રષ્ટ શાસનમાંથી ગુજરાતને મુક્ત કરાવવા માગતા તમામ લોકોને અમે ચૂંટણી લડવા માટે આમંત્રણ આપી રહ્યા છીએ. ગુજરાતના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ખેડૂત આગેવાનો, યુવાનો, વેપારીઓને અમે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડીને નેતૃત્વ કરવાની તક આપી રહ્યા છીએ. આજે અમે આમ આદમી પાર્ટીનું ઉમેદવારી પત્ર જાહેર કરી રહ્યા છીએ.
જે પણ લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા હોય તે તમામ લોકોએ આ ફોર્મ ભરવું પડશે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ ફોર્મ લોકો સુધી પહોંચાડવામાં આવશે. જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તે લોકો આ ફોર્મ ભરીને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખો, વિધાનસભા ઇન્ચાર્જ, લોકસભા પ્રમુખની સાથે સાથે ઈમેલ કરીને પણ આમ આદમી પાર્ટીને મોકલી શકે છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પણ આ ફોર્મ સ્વીકારવામાં આવશે. સાથે સાથે ૂવફતિંફાા નંબર જાહેર કરવામાં આવશે અને તે નંબર પર પણ આ ફોર્મ સ્વીકારવામાં આવશે. આ માધ્યમથી જેટલા પણ ફોર્મ આવશે તેમાંથી સ્ક્રુટિની કરવામાં આવશે અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.