રાજકોટમાં આપ દ્વારા બોટાદ હિંસાનો વિરોધ-સૂત્રોચ્ચાર
કડદો પ્રથા બંધ અને કરાયેલા ખોટા કેસ પરત ખેંચવા કલેકટરને આવેદન પાઠવી સરકારમાં રજૂઆત
બોટાદમાં કદડા બાબતે થયેલી હિંસામાં પોલીસ દ્વારા 60થી વધારે લોકો પર કેસ કરવામાં આવ્યા છે. પોલીસની આ દમનકારી નિતિ સામે રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી કડદા પ્રથા બંધ કરવા અને કેસ પાછા ખેંચવા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરાઇ હતી.
રજુઆતમાં જણાવ્યું છે કે બોટાદ જિલ્લામાંથી ખરીદી પછી ખેડૂતો સાથે થતા કડદા સામે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાત સરકારના ધ્યાન ઉપર આ બાબત છે જ, છતાં ખેડૂતો સાથે થઇ રહેલ ગંભીર અન્યાય સામે સરકાર મોન છે. આ બાબત સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે.
એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અમારી એ ફરજ છે કે ખેડૂતોને થઈ રહેલ આ હળાહળ અન્યાય સામે આવાજ ઉઠાવીએ, ખેડૂતોને ન્યાય આપાવીએ. ખેડૂતોને ન્યાય મળી રહે એ માટે અમે સરકારની ઉદાસીનતાનો વિરોધ કરીએ છીએ અને ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવાય એવો ભારપૂર્વક અનુરોધ કરીએ છીએ.
કડદા પ્રથા સદન્તર બંધ થાય, કડદો કરનાર વેપારીનું લાયસ-સ તાત્કાલિક રદ થાય એવી લેખિત બાંહેધારી આપવામાં આવે. એપીએમસીથી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે એ પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવે.
નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે એની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે. ખેડૂતો ઉપર કરેલા ખોટા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. માંગણીઓ બાબતે સરકાર તાત્કાલિક કોઈ લેખિત બાંહેધરી આપવામાં નિષ્ફળ જાય તો અમારે નાછૂટકે ખેડૂતોના હિતમાં ગુજરાત વ્યાપી આંદોલન શરુ કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.