આદિવાસી વિસ્તારમાં આપ-ભાજપના નેતાઓની હળીમળીને તોડબાજી: વસાવા
ભરૂૂચના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાએ રવિવારે નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ફરી એકવાર તેમણે રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે, તેમણે આ વખતે પણ ભ્રષ્ટાચાર કરનાર કોઈપણ વ્યક્તિ કે નેતાનું નામ કે પુરાવો જાહેર કર્યા ન હતા.
નર્મદા કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરતાં મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે ’છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓની ટીમ એજન્ટો મૂકી આદિવાસી વિસ્તારમાં ફરી વિકાસ કાર્યોમાં નાની-મોટી ક્ષતિ શોધી ચોર સાહુકારને દંડે તેવા કૃત્ય કરી રહ્યા છે. તેમનું એક જ કામ છે કે સંકલનની બેઠકોમાં નાના નાના કામોમાં તપાસ માંગી સોશિયલ મીડિયામાં વહેતા કરવા. તેના બાદ એજન્સી અને અધિકારી પાસેથી કોઈના કોઈ રીતે તોડ કરે છે.’
વધુમાં તેમણે કહ્યું કે ’લાખો રૂૂપિયામાં તોડ કરે છે. અમારી પાસે પત્રો પણ આવ્યા છે કે આવા લોકોને રોકવા જોઈએ. વર્ષ બે વર્ષ પહેલા આદિવસી મ્યુઝિયમમાં હત્યાઓ થઈ હતી. એ હત્યાઑના પીડિતોને એજન્સી થકી 25-25 લાખની સહાય મળે તે માટે ભાજપ અને આપના નેતાઓએ સાહિયારો પ્રત્યન કર્યો હતો પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકો અને તેમની સાથેની ટીમે 10 10 લાખનો તોડ કર્યો હતો આ વાત હું ખૂબ ગંભીરતાથી કહું છું. તેમાં બધી જ રાજકીય પાર્ટીના લોકો આવી જાય છે. આપ નેતાઓની ટીમ વિકાસના કામમાં કોઈના કોઈ રીતે રોળા નાખી રહી છે. એક વર્ષ પહેલાં આપના એક નેતાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો હતો’
’એકતા પરેડમાં પણ ખર્ચ થયો હોય તેની માહિતી માંગી ટકાવારી માગવામાં આવે છે. એક આદિવાસી નેતા જે પોતાને આદિવાસીઑનો મસીહા માને છે તેને 75 લાખ રૂૂપિયાના માગ્યા હોવાનો પણ મનસુખ વસાવાએ દાવો કર્યો હતો. અને કહ્યું હતું કે મારી પાસે આ બધી વાતો ઘણા સમયથી આવી છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો કાર્યકર હોય જો ભ્રષ્ટાચાર કરે તો હું કોઈને છોડતો નથી. આ જિલ્લામાં નેતાઓની એકબીજા સાથે મિલીભગત છે. એટલે કોઈ બોલતું નથી. આમ આદમીના નેતાઓ વહીવટી તંત્રના અધિકારીઓ અને નેતાઓ કે લોકોને ધમકાવે છે છતાં કોઈ બોલતું નથી કારણ કે બધા મળેલા છે.