દ્વારકામાં બનેલા સુદર્શન સેતુમાં ગાબડાંથી વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતું "આપ”
1 હજાર કરોડનો ખર્ચ પાણીમાં ગયાનો આક્ષેપ
યાત્રાધામ દ્વારકા નજીકના બેટ દ્વારકા પાસે નિર્માણ પામેલા સુદર્શન બ્રિજમાં ગાબડા તેમજ ક્ષતિઓ જોવા મળતા આ અંગે સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચારના વ્યાપક આક્ષેપો થઈ રહ્યા છે. આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીના સ્થાનિક હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, હિન્દુઓની આસ્થાના મહત્વપૂર્ણ ધર્મસ્થળ દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું મંદિર આવેલું છે, જ્યાં બેટ દ્વારકામાં આજથી આશરે છ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આશરે રૂ. 1000 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું.
આ લોકાર્પણના છએક મહિનાના સમય ગાળામાં આ બ્રિજમાં ગાબડા પડી જોવા મળી રહ્યા છે. આ બ્રિજ બનાવવામાં સરકારે જનતાના પૈસાના 1000 કરોડ રૂૂપિયા ખર્ચ કર્યા હતા. લોકોની મહેનતના પૈસાના ટેક્સથી આ બ્રિજ બન્યો હતો. પરંતુ તેમાં ખૂબ જ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ બ્રિજનો રોડ ઉખડી ગયો છે, બ્રીજના સળિયા દેખાવા લાગ્યા છે અને દિવાલ પણ પડવા લાગી છે.
ગુજરાતમાં અનેક જગ્યા ઉપર થોડા થોડા સમયમાં મોરબી, રાજકોટ વિગેરે સ્થળોએ માનવસર્જિત હોનારતો જોવા મળી છે. આવી ઘટનાઓ બાદ સરકાર ચાર લાખની વળતરની રકમ આપીને છૂટી જાય છે. એનો મતલબ એમ જ થયો કે સરકાર દ્વારા ગુજરાતના નાગરિકની કિંમત ફક્ત ફ્ક્ત રૂ. ચાર લાખ જ આંકવામાં આવે છે.
આ ઉપરાંત ‘આપન’ના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવીએ સુદર્શન સેતુના નબળા કામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ઈ.ડી તથા સી.બી.આઈ.ની તપાસની માંગણી કરતા જણાવ્યું હતું કે પાંચ મહિનામાં કરોડોના ખર્ચે બનેલા પુલમાં ગાબડા પડી જાય છે અને પૂલ નીચેથી વિશાળ દરિયો વહે છે. ત્યારે લોકોના જીવને આનાથી પૂરેપૂરું જોખમ બની રહ્યું છે. બ્રિજના રસ્તા પર ગાબડા, તેમજ સાઈડની દીવાલમાં તિરાડ તેમજ લોખંડમાં કાટએ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સુદર્શન સેતુમાં ભ્રષ્ટાચાર દર્શાવે છે.