આમ આદમી પાર્ટીની રાજકીય ગાડી ટોપ ગિયરમાં, તમામ લોકસભા-વિધાનસભાના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની નિમણૂક
ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનરપાલિકાઓની ચૂંટણીઓ પૂર્વે આમઆદમી પાર્ટીએ રાજકીય શિકંજો વધુ મજબુત બનાવ્યો છે અને આગામી ચૂંટણીઓ તેમજ 2027ની ધારાસભાની ચૂંટણી ધ્યાને રાખીને 450 નવા હોદેદારોની નિમણુંક કરી રાજકીય પડ ગરમ કરી દીધું છે.
આમ આદમી પાર્ટીએ રાજ્યના તમામ લોકસભા તેમજ વિધાનસભા વિસ્તારોના કુલ 450 ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની નિમણુંકો કરી છે આજે ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રવાસ પૂર્વે ‘આપે’ આ ધડાકો કર્યો છે. જે સુચક મનાય છે.
મિશન વિસ્તાર 2027 અંતર્ગત આજે ગુજરાતના તમામ ઝોનના ઝોન પ્રભારીની નિમણુક કરવામાં આવી છે, ગુજરાતની તમામ લોકસભામાં લોકસભા ઇન્ચાર્જ અને લોકસભા કો-ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે.
સાથે સાથે તમામ વિધાનસભાઓમાં વિધાનસભા ઇન્ચાર્જ અને વિધાનસભા કો-ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાના લક્ષ સાથે ઉપરોક્ત પદોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ તમામ હોદ્દેદારો આમ આદમી પાર્ટીના સંગઠન નિર્માણના કામને વેગ આપશે અને ગુજરાતના ઘરે-ઘરે આમ આદમી પાર્ટીને પહોંચાડવા માટેનું કામ કરશે. હજુ આવનારા સમયમાં વધુ જવાબદાર વ્યક્તિઓને હોદ્દાઓ સોંપવામાં આવશે.
જે નિમણુંકો કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રઝોનમાં રાજકોટમાં લોકસભાના ઈન્ચાર્જ તરીકે અજિત લોખિલ તથા કો ઈન્ચાર્જ તરીકે દિલિપસિંહ વાઘેલાની નિમણુંક કરી છે. જ્યારે પોરબંદરમાં મહેશ કોટડિયા, જામનગરમાં ઈન્ચાર્જ તરીકે પ્રભારી પદે પ્રકાશ દોંગા અને સહપ્રભારી તરીકે વશરામભાઈ રાઠોડને જવાબદારી સોંપાઈ છે.
આ ઉપરાંત જુનાગઢમાં અનુક્રમે ડો. હિતેશ વઘાસિયા તથા પિયુષ પરમાર, અમરેલીમાં કાંતિભાઈ સતાસિયા અને ભાવનગરમાં દિપક પંડ્યાની નિમણુંક કરાઈ છે. રાજકોટ જિલ્લા ઉપરાંત પોરબંદર અને જામનગર જિલ્લામાં વિધાનસભા વાઈઝ પણ ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની નિમણુંક કરાઈ છે.