ખંભાળિયામાં આધારકાર્ડની કામગીરી ખોરંભે, કોમ્પ્યુટરની નનામી કાઢી વિરોધ કરતા આગેવાનો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડની કામગીરી બંધ હોવાથી તે ત્વરિત શરૂૂ કરવા માટે અને વધુ આધાર કેન્દ્ર ફાળવવા બાબતે ગઈકાલે સોમવારે આમ આદમી પાર્ટી દ્વારા રેલી તેમજ વિરોધ વ્યક્ત કરવા અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામ નામ સત્ય હૈના સૂત્રોચાર સાથે કોમ્પ્યુટરની નનામી કાઢવામાં આવી હતી.
આશરે 70 હજાર જેટલી વસ્તી ધરાવતા ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં આધાર કાર્ડનું એકમાત્ર સેન્ટર હોય, અને તે પણ ઘણા સમયથી બંધ હોવાથી અહીંના લોકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ઈ-કે.વાય.સી.ને લગતી કામગીરી ખૂબ ધીમી અને ઓછી કીટોથી ચાલતી હોવાથી લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે સાથે લોકોના કિંમતી સમયનો પણ વ્યય થાય છે. અહીંના અભણ લોકોને તાલુકા મથકે પોતાના બાળકો અને ઘર પરિવારના સભ્યોને લઈને વારંવાર ધક્કા થાય છે.
કામ-ધંધામાં વિક્ષેપ તેમજ વ્યાપક હાલાકી ભોગવતા સલાયાવાસીઓને આધાર કાર્ડને લગત કામગીરી માટે આધારકાર્ડ સેન્ટરની કામગીરી તાકીદે સ્થાનિક કક્ષાએ શરૂૂ કરવામાં આવે તેમજ આ અંગેની વિવિધ માંગ સાથે સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ખંભાળિયામાં સંબંધિત તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સલાયા સાથે ખંભાળિયાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ જાહેર માર્ગ પર કોમ્પ્યુટરની નનામી કાઢી અને રામ નામ સત્ય હૈ બોલતા બોલતા નવતર રીતે વિરોધ નોંધાવ્યો હતો.
જેમાં ગુજરાત પ્રદેશના મંત્રી કે.જે. ગઢવી સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું.