વોર્ડ ઓફિસ 3 અને 16 ખાતે આધારકાર્ડની કામગીરીનો પ્રારંભ
મહાનગરપાલિકાની ત્રણે ઝોનલ કચેરી ખાતે આધારકાર્ડ કેન્દ્રની કામગીરી દરમિયાન અરજદારોની લાઈનો લાગતા તમામ વોર્ડ ઓફિસ ખાતે આધારકાર્ડની કામગીરી શરૂ કરી છે. પરંતુ સર્વર ડાઉન અને ટેક્નિકલ કારણોસર અનેક વોર્ડમાાં કાર્યવાહી ખોરવાઈ જવાની ઘટનાઓ બની હતી. હાલમાં ત્રણ ઓફિસ ખાતે આધારકાર્ડની કામગીરી બંધ હતી જે પૈકી વોર્ડ નં. 3 અને 16 ખાતે આધારકાર્ડની તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નં. 12માં હજુ પણ થોડોસમય આધારકાર્ડની કામગીરી નહીં થઈ શકે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
યુ.આઈ.ડી. આધાર કેન્દ્રની કામગીરીનું વિકેન્દ્રિકરણ કરી તા.01/04/2025થી રાજકોટ મહાનગરપાલિકાના કુલ 1 થી 18 ની વોર્ડ ઓફિસો ખાતે આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે, આ આધાર કેન્દ્રો પૈકી યુ.આઈ.ડી વિભાગ દ્વારા વોર્ડ નંબર-3 તેમજ-16ના ઓપરેટરને ફરજ મોકૂફ કરવાના કારણે (1) વોર્ડ નંબર-3 અને (2) વોર્ડ નંબર-16ની કામગીરી તેમજ વોર્ડ નંબર-12 ખાતેની આધાર કીટમાં યાંત્રિક ક્ષતી સર્જાતા હાલ વોર્ડ નંબર-(12)ખાતેની આધારની કામગીરી કામચલાઉ ધોરણે મોકૂફ રાખવામાં આવેલ હતી. જાહેર હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર વોર્ડ નંબર-12 ખાતેના આધાર ઓપરેટરની બદલી વોર્ડ નંબર-3 ખાતે કરી વોર્ડ નંબર-3નું આધાર કેન્દ્ર પુન: કાર્યરત કરવામાં આવેલ છે.
સબબ વોર્ડ નંબર-3ના નાગરિકો તેમજ અન્ય શહેરીજનોને આધારની કામગીરી માટે વોર્ડ નંબર-3ની વોર્ડ ઓફિસ, આસ્થા ચોક, સાધુ વાસવાણી કુંજ રોડ,પાસેની મુલાકાત લેવા આથી અનુરોધ કરવામાં આવે છે.