ઉનાના જશાધાર ગામે દીપડાએ ચાર વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાધી
ઉના તાલુકાના જશાધાર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં બાળકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ ઘટના બાદ ફોરેસ્ટ વિભાગ તાબડતોબ સક્રિય બન્યો હતો અને પાંજરુ ગોઠવી આદમખોર દિપડાને ઝડપી લીધો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાના જશાધાર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ખુશીબેન ભરતભાઈ બારીયા નામની ચાર વર્ષની માસુમ બાળકી સવારના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ હતી ત્યારે અચાનક ધસી આવેલા માનવ ભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. પરિવારે દેકીરો કરતા દીપડો નાસી છૂટ્યો હતો. માસુમ બાળકીને ગળાના ભાગે બચકું ભરી લીધું હોવાથી લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક ખુશીબેન બારીયા એકના એક ભાઈની એકની એક બહેન હતી અને ખુશીબેન બારીયા તેના નાના બાપાના ઘરે ગઈ હતી ત્યારે પરિવાર ખેતીમાં કામ કરતો હતો અને ખુશીબેન બારીયા આજુબાજુમાં રમતી હતી તે દરમિયાન માનવ ભક્ષી દીપડાએ કરેલો હુમલો જીવલેણ નીવડયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.