કલેક્ટર કચેરીમાં વીંછિયાના યુવાને ફિનાઇલ પી લેતા મચી ગયેલી દોડધામ
પૂર્વ ભાગીદારે નાણા પરત કરવાના બદલે ધમકી આપ્યાનો આરોપ, અગાઉથી જાણ કરી હોવા છતાં તંત્ર અંધારામાં રહ્યું
કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા વિંછીયાના યુવાને ફિનાઇલ પી લેતા દોડધામ મચી જવા પામી હતી. યુવાને તાત્કાલી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પુર્વ ભાગીદારને ઉછીના આપેલા નાણા પરત કરવના બદલે પરિવારને મારી નાખવાની ધમકી આપતા હોવાનુ આક્ષેપ કરવામાં આવ્યો હતો. યુવાને આજે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હોવા છતા તંત્ર અંધારામાં રહી જતા યુવાને કલેક્ટર કચેરીમાં જ ફિનાઇલ ગટગટાવી લીધુ હતુ. જાણવા મળતી વિગત મુજબ વિંછીયાના ખોડીયારપરામાં રહેતા દિનેશભાઇ ખીમાભાઇ રાઠોડ (ઉ.વ.47)નામના યુવાને આજે બપોરે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. તંત્ર દ્વારા તાત્કાલીક યુવાનને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રથામિક તપાસમાં હોસ્પિટલના બિછાનેથી દિનેશભાઇના જણાવ્યા મુજબ તેઓ અગાઉ સલીમભાઇ સાથે ભાગીદારીમાં જમીન લે વેચનું કામ કરતા હતા વર્ષ 2015માં સલીમભાઇને પૈસાની જરૂરીયાત હોવાથી તેમણે રૂ.15 લાખ ઉછીના આપ્યા હતા. બાદમાં અવાર નવાર ઉછીના આપેલા નાણાની ઉઘરાણી કરવા છતા તેઓ પરત આપતા ન હોય અને સલીમભાઇના ભાગીદાર સોમાભાઇ અવાર નવાર પરિવારને મારી નાખવાની ધમકી આપતા હોય હવે જો પૈસા માંગીસ તો મારી નાખશુ તેવી ધમકી આપી હતી અને અગાઉ તેમને બળજબરીથી આરોપીઓએ દવા પીવડાવી દીધી ત્યારે તેઓ પાડીયાદ હોસ્પિટલમાં દાખલ થાય હતા અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જોકે, આરોપીઓએ પૈસા આપી દેવાનુ કહી સમાધાન કરી લીધુ હતું. પરંતુ બાદમાં તેઓ પૈસા આપતા ન હોય અને પરિવારમાં હેરાન કરતા હોવાથી આ અંગે તેમણે ગૃહમંત્રી સુધી રજૂઆત કરી હોવા છતા કોઇ પગલા લેવાતા ન હોય જેથી અગાઉ તા.28ના કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ તંત્ર દ્વારા કોઇ બંદોબ્સત ગોંઠવામાં આવ્યો ન હોવાથી આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કર્યા બાદ તેમણે આ પગલુ ભરી લીધુ હતું.