આઈ.જી. ઓફિસમાં રજૂઆત કરવા આવેલા નવઘણ ચોરા ગામના યુવાને ઝેર પીધું
શહેરના જામનગર રોડ પર આવેલી રેન્જ આઈ.જી.ની ઓફિસમાં રજૂઆત કરવા આવેલા કોટડાસાંગાણીના નોંધણ ચોરા ગામના યુવાને ઓફિસમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. યુવાનને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘર પાસે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સો વિરૂધ્ધ લોધિકા પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણી તાલુકાના નોંધણ ચોરા ગામે રહેતા વિનોદભાઈ ભીમજીભાઈ મકવાણા (ઉ.40) નામનો યુવાન આજે બપોરે જામનગર રોડ પર આવેલા રેન્જ આઈજી ઓફિસે રજૂઆત કરવા આવ્યો હતો ત્યારે રેન્જ આઈ.જી.ઓફિસમાં જ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
આપઘાતનો પ્રયાસ કરનાર વિનોદભાઈ બે ભાઈ બે બહેનમાં મોટા અને મજુરી કામ કરે છે તેમણે રજૂઆતમાં જણાવ્યા મુજબ, તેઓ પરિવાર સાથે નોંધણ ચોરા ગામે રહે છે.
ગામમાં રહેતા પુરીબેન મનજીભાઈ મકવાણા, હરદેવસિંહ ઉર્ફે લાલો ડાભી અને બે અજાણ્યા શખ્સોએ ઘરે આવી જાહેરમાં ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય અને આ શખ્સો દારૂ પીધેલી હાલતમાં હોય જે અંગે તેઓ અગાઉ લોધિકા પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતાં. પરંતુ લોધિકા પોલીસ ફરિયાદ લેતી ન હોવાથી આઈ.જી.ઓફિસે રજૂઆત કરવા આવ્યા હોય ત્યારે તેમણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.