ચોટીલાના ભેડચુડા ગામના યુવાને રાજકોટમાં એસિડ પી જીવન ટૂંકાવ્યું
મૂળ ચોટીલાના ભેડચુડા ગામના વતની અને રાજકોટમાં કારખાનામાં કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના ભેડચુડા ગામનો વતની અને હાલ રાજકોટમાં સંત કબીર રોડ ઉપર આવેલ શિવ શક્તિ સોસાયટીમાં રહેતા મહેશ વલ્લભભાઈ ગાબુ નામનો 30 વર્ષનો યુવાન દસ દિવસ પૂર્વે રાજકોટમાં આવેલા જયશ્રી નામના કારખાનામાં હતો.
ત્યારે એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મહેશ ગાબુ બે ભાઈ બે બહેનમાં મોટો અને અપરિણીત હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભચાઉના લુણવા ગામે રહેતા વલુભાઈ અરજણભાઈ નામના 61 વર્ષના વૃદ્ધ બે દિવસ પૂર્વે સવારના અરસામા પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે ગબડી પડ્યા હતા વૃદ્ધને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભચાઉ અને ગાંધીધામ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
