આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત
તબીબ ડેન્ગ્યુનો રીપોર્ટ કરાવે તે પૂર્વે સારવારમાં દમ તોડયો
શહેરમાં વરસાદને પગલે રોગચાળો વકર્યો છે અગાઉ ડેંગ્યુના પોઝિટીવ રિપોર્ટ ધરાવતાં લોકોના મૃત્યુ થયા હોવાના બનાવો બની ચુક્યા છે.તેમજ હાલ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ પણ વધી રહ્યા છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક બાળાનું તાવ ચડયા બાદ સારવારમાં મોત નીપજ્યું છે.કોઠારીયા રોડ આનંદનગર કોલોનીમાં રહેતી સોળ વર્ષની બાળાને તાવ ભરખી જતાં પરિવારમાં શોક છવાયો છે.
વધુ વિગતો મુજબ,કોઠારીયા રોડ આનંદ નગર કોલોનીમાં રહેતી ધ્રુવી કલ્પેશભાઇ ચૌહાણ (ઉ.વ.16)ની રાતે દસેક વાગ્યે તબિયત બગડતાં તેણીને ગુંદાવાડી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. ધ્રુવી એક ભાઇથી મોટી હતી. તેના પિતા કલ્પેશભાઇ ચૌહાણ સ્કૂલવેન હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. સગાના કહેવા મુજબ ધ્રુવીને બે દિવસથી તાવ આવતો હોઇ દવા લીધી હતી. ગઇકાલે તાવ સાથે આંચકી ઉપડતાં તેણી બેભાન જેવી થઇ જતાં ગુંદાવાડી હોસ્પિટલે ખસેડાઇ હતી. પણ ત્યાંથી સિવિલમાં લઇ જવાનું કહેવાયું હતું. સિવિલ હોસ્પિટલમાં તબિબે તેણીને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તૌફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી. મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.