ગઢકાના પાટીયા પાસે મકાનમાં પ્લમ્બિંગનું કામ કરતા યુવાનનું વીજશોક લાગતા મોત
શહેરની ભાગોળે ભાવનગર હાઇ-વે પર ગઢકા ગામના પાટીયા પાસે નવા બનતા મકાનમાં પ્લમ્બીંગનું કામ કરતા બજરંગવાડીના યુવાનનું વીજશોક લાગતા મોત નીપજ્યુ છે. પ્લગમાં પીન ભરાવવા જતા વીજકરંટ લાગતા બનેલા બનાવથી પરિવારમાં શોકની લાગણાી છવાઇ જવા પામી છે.જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર બજરંગવાડી શેરી નં.13માં રહેતા અને પ્લમ્બીંગનું કામ કરતા સંજય સાવજીભાઇ રજવાડીયા (ઉ.વ.40) નામના યુવાને ગઢકા ગામના પાટીયા પાસે આર.કે. રેસીડેન્સીમાં નવા બનતા ત્રણ મકાનમાં પ્લમ્બીંગ કામનો કોન્ટ્રાક્ટ રાખેલો હયો.
આજે સવારે તેઓ ત્યા કામ કરતા હતા ત્યારે પ્લગમાં પીન ભરવવા જતા વીજશોક લાગતા બેભાન હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રથામિક નોંધ કરી અજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં મોટો અને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.