રિસામણે ગયેલી પત્નીને તેડવા ગયેલા યુવાને સસરાના ઘર પાસે વખ ઘોળ્યું
શહેરના આજી ડેમ ચોકડી પાસે રહેતો યુવાન કુવાડવા રોડ પર રિસામણે ગયેલી પત્નીને તેડવા ગયો હતો ત્યારે પત્નીએ આવવાની ના પાડી દેતાં યુવાને સસરાના ઘર પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, આજી ડેમ ચોકડી નજીક આવેલા યુવરાજનગર શેરી નં.17માં રહેતો દુધા દેવશીભાઈ ઓતરાદી (ઉ.25) નામનો યુવાન આજે સવારે કુવાડવા રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં સસરાના ઘર પાસે હતો ત્યારે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન ત્રણ ભાઈ એક બહેનમાં મોટો અને કારખાનામાં કામ કરે છે. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. 15 દિવસથી પત્ની હિના રિસામણે ચાલી ગઈ હોય આજે તે પત્નીને તેડવા માટે શિવધારા સોસાયટીમાં રહેતા સસરાના ઘરે ગયો હતો. પરંતુ પત્નીએ આવવાની ના પાડી દેતાં લાગી આવવાથી તેણે સસરાના ઘર નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું જાણવા મળ્યું છે.