ભાવનગરના મહુવા નજીક ફોટોગ્રાફી પૂર્ણ કરીને આવતા યુવાનનું અકસ્માતમાં મોત
બેભાન અવસ્થામાં હોસ્પિટલે ખસેડયો પરંતુ સારવાર કારગત ન નીવડી
ભાવનગરમાં ફોટોગ્રાફીનું કામ પૂર્ણ કરી મહુવા ઉમણીયાવદર ખાતે પોતાના ઘરે આવી રહેલા ફોટોગ્રાફર યુવકનું મહુવા-વડલી બાયપાસ રોડ પર અકસ્માતમાં મોત નિપજ્યું હતું.
પાલિતાણા તાલુકાના મેઢા ગામના વતની અને હાલ મહુવા ઉમણીયાવદર ખાતે રહેતા રાઘવભાઈ બીજલભાઈ જેઠવાએ મહુવા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પુત્ર સંજય રાઘવભાઈ જેઠવા (ઉ.વ.30) ફોટોગ્રાફીનું કામ કરતો હોય ગતરોજ ભાવનગર બાજુથી કામ કરી પરત મહુવા ઘરે આવી રહ્યો હતો ત્યારે મહુવા-વડલી બાયપાસ રોડ પર વડલીથી મહુવા તરફ હાઈ-વે રોડ પર એમપી-09-એચએચ-3852 નંબરના ટ્રકે તેમની મોટર સાયકલ નં.જીજે-04-ઈબી-7427 સાથે અકસ્માત સર્જી સંજયભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમને સારવાર અર્થે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.