માળિયા હાટીનાના મોટા દહીસરામાં મારામારીમાં ઘવાયેલા યુવાને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો
ઘર પાસે પાણી ઢોળાવા મુદ્દે કૌટુંબિક શખ્સોએ સવારે ઝઘડો કર્યા બાદ રાત્રે ઘરમાં ઘૂસી ખૂની ખેલ ખેલ્યો’તો
માળીયાહાટીના તાલુકાના મોટા દહીસરા ગામે ઘર પાસે પાણી ઢોળાવા મુદ્દે યુવાન સાથે સવારે ઝઘડો કર્યા બાદ કુટુંબિક શખ્સોએ સાંજના સમયે ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળીયાહાટીના તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા ચંદુભાઈ છગનભાઈ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા કૌટુંબિક સુરેશ, વિજય અને અજલો નામના શખ્સોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ચંદુભાઈ મકવાણાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માળિયા હાટીના પોલીસને જાણ કરતા માળીયા હાટીના પોલીસનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ચંદુભાઈ મકવાણા બે ભાઈમાં મોટો હતો. અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ઘર પાસે પાણી ઢોળાવા મુદ્દે હુમલાખોર સુરેશ સાથે સવારના ઝઘડો થયા બાદ સાંજના સમયે હુમલાખોર સુરેશ સહિતના સમયે ઘરમાં ઘુસી માર મારતા બનાવ હત્યામાં પલટાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માળિયા હાટીના પોલીસે નોંધ કરી યુવકના હત્યારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.