બાઈક સ્લિપ થતાં જોટામાંથી ગોળી છૂટી અને શિકાર કરવા જતા યુવકનો ભોગ લેવાયો
મોરબીના મહેન્દ્રપરામાં રહેતો યુવાન પોતાના પાસે રહેલી ગેરકાયદેસર બંધુક લઈને શિકાર કરવા જતો હતો ત્યારે હવાણિયા પાસેતેને અકસ્માત નડ્યો હોય અને મોટરસાયકલ સ્લીપ થતાં તેની પાસે રહેલી બંદુક ફુટી જતાં તેને ગંભીર ઈજા થઈ હતી. સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા યુવાનનું મોત થયું હતું.
મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં. 10 માં રહેતો વસીમ ગુલામહુસેન પીલુડિયા ઉ.વ.37 પોતાનું મોટરસાયકલ લઈ વવાણીયા ગામ તરફ જતો હતો ત્યારે મોટરસાયકલ સ્લીપ થયું હતું.
મોટરસાયકલ સ્લીપ થતાં વસીમ પાસે રહેલી દેશી બંદુક (જોટો) ફુટી ગયો હતો અને તેના છરા વસીમના શરીરમાં ઘુસી જતાં પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વસીમ શિકાર કરવા જતો હોવાનું તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. વસિમના પિતા ડિસ કનેક્શનનો ધંધો ચલાવે છે તેને સંતાનમાં બે દિકરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ વશિમ કે જે મહેન્દ્રપરામાં રહેતો હોય તે વવાણિયા નજીક શિકાર કરવા જતો હતો અને તેની પાસે ગેરકાયદેસર દેશી બંદુક હોવાનું જાણવા મળ્યું છે. મૃતક વશિમના મોતથી તેની પત્ની નિલોફર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. વશિમ એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો બનાવની જાણ થતાં તેના પિતા ગુલામ હુસેન અને માતા સહિરાબેન સહિતના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં. આ મામલે પોલીસે વસિમ પાસે રહેલી ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક અંગે તપાસ શરૂ કરી છે. અને ફાયરીંગ કઈ રીતે થયું અને ઘટના કઈ રીતે બની તે સહિતની બાબતે પોલીસ તપાસ કરી રહી છે.