પોલીસ ભરતીની દોડમાં નાપાસ થયેલા યુવાને દુનિયા જ છોડી દીધી
8 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો માણાવદરનો યુવાન પોલીસ ભરતીની દોડમા નાપાસ થતા જંગલમાં જઇ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ
સમગ્ર રાજ્યમાં હાલ પોલીસ વિભાગની લોકરક્ષક અને પીએસઆઇની ભરતી પ્રક્રિયા શરૂૂ છે, ત્યારે માણાવદર તાલુકાના દગડ ગામના 29 વર્ષીય પરેશ હમીરભાઈ કાનગડ નામનો યુવક 9/1/2025ના પોલીસ ભરતીની પરીક્ષા આપવા માટે જામનગર ગયો હતો. છેલ્લા 8 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો યુવક પોલીસ ગ્રાઉન્ડમાં સમયસર દોડ પુરી ન કરતા નાપાસ થયો હતો. જેથી યુવકને મનમાં લાગી આવતા બાંટવા નજીક જંગલમાં જઇ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતા પરિવાર પર આભ ફાટ્યું છે.
આ અંગે મૃતકના સગા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, પરેશ છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ પરીક્ષાની તૈયારી કરતો હતો. ત્યારે ગત 9/1/2025ના જામનગર ખાતે પોલીસ ભરતી પ્રક્રિયા માટે ગયો હતો, જ્યાં દોડમાં પરેશ નાપાસ થયો હતો. આ બાદ પરેશ જામનગરથી ઘરે આવવા નીકળ્યો હતો ત્યારે બાટવા નજીક આવેલા જંગલમાં જઈ પ્લાસ્ટિકની દોરી બાવળ સાથે બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
મૃતકના સગાએ વધુમાં જણાવ્યું કે, ઘણા કલાકો સુધી પરેશ ઘરે ન ફરતા અમે તેને ફોન કરતાં તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. જેથી અમે પરેશના પરિવાર અને મિત્રો સાથે શોધખોળ હાથ ધરી હતી. જ્યાં રાત્રે પરેશનું બાઈક રોડ પર જોવા મળ્યું હતું અને જંગલ વિસ્તારમાં બાવળ પર દોરી બાંધી પરેશ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો.
આ મામલે અમે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ મૃતક પરેશના મૃતદેહને પીએમ માટે માણાવદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક પરેશના ભાઈ મનીષ કાનગડેએ બાટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું હતું કે, તેમનો ભાઈ પરેશ કાનગડ ગત 9 જાન્યુઆરી 2025ના જામનગર ખાતે પોલીસ ભરતી માટે દોડ માટે ગયો હતો. જ્યાં દોડમાં પરેશ નાપાસ થયો હતો જેનુ લાગી આવતાં તેણે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે.