મુંબઇથી સાઇકલ લઇ માતાના મઢે આવતા યુવાનનું હાર્ટએટેકથી મોત
યુવાનના મોતથી રાજગોર પરિવારમાં શોક છવાયો
મુંબઈના કાંદીવલીથી માતાનામઢ નીકળેલી સાઇકલ યાત્રામાં સામેલ મૂળ માંડવી તાલુકા મસ્કા ગામના યુવાન વેપારી વાપી પહોંચ્યા ત્યારે હૃદયરોગનો ઘાતક હુમલો આવતાં માતાના મઢ પોહચે તે પહેલાં મૃત્યુ થયું હતું.
બનાવના પગલે કચ્છ અને મુંબઈ રાજગોર સમાજમાં શોકની લાગણી છવાઈ હતી. 26 સપ્ટેમ્બર ગુરુવારના કાંદીવલીથી પાંચ સાઇકલ યાત્રિકો સાથે મૂળ માંડવી તાલુકાના મસ્કા ગામના ધર્મેશ રમેશ મોતા (ઉં.વ.34) પણ યાત્રામાં જોડાયા હતા. સવારના દશ વાગ્યાની આસપાસ વાપી રસ્તામાં ગભરામણ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પણ સારવાર નસીબ થાય તે પહેલાં તેમનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું. વાપી ભાનુશાલી સેવા મંડળ ગ્રુપ અને સમાજના સેવાભાવી અગ્રણીઓ હોસ્પિટલ ધસી આવીને માનવતાનું કાર્ય કર્યું હતું. સદગતની અંતિમવિધિ કાંદીવલી ઈસ્ટ ખાતે તા. 28 સપ્ટેમ્બર શનિવારના કરવામાં આવશે તેવું રમેશ ગોર અને મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિ રાજગોરે જણાવ્યું હતું.