રેલનગરમાં પખવાડિયા પૂર્વે અકસ્માતે પહેલા માળેથી પટકાયેલા યુવાને દમ તોડ્યો
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ મનહરી એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતો યુવાન પખવાડિયા પૂર્વે ઘર પાસે નવનિર્મિત મકાનની સાઇડ પરથી પહેલા માળની ઊંચાઈથી નીચે પટકાયો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલ મનહરી એપાર્ટમેન્ટમાં રહેતો વ્રજ બીપીનભાઈ ગોહેલ નામનો 38 વર્ષનો યુવાન ગત તા.23 ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં ઘર પાસે નવા બનતા મકાનની સાઈટ પર જોવા જતા પહેલા માળની ઊંચાઈ પરથી અકસ્માતે નીચે પટકાયો હતો. યુવકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે એઇમ્સ બાદ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ઓપરેશન બાદ યુવકને રજા આપવામાં આવી હતી. અને ફરી યુવકની તબિયત લથડતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા ખોરાણા ગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી ભારતીબેન ભગાભાઈ વાજેલીયા નામની 18 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી.
યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.