અજાણ્યાને મદદ કરવા જતા યુવકને પટ્ટાથી ફટકાર્યો
જૂનાગઢમાં બનેલી ચોંકાવનારી ઘટના, ત્રણ શખ્સો સામે ફરિયાદ
જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં એક દલિત યુવકને નિર્દયતાથી ઢોરમાર મારી લૂંટફાટ મચાવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટનામાં પીડિત યુવકનો મોબાઈલ લૂંટીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. છેલ્લા 20 દિવસમાં દલિતો પર અત્યાચારની આ ત્રીજી ઘટના છે, જે સમાજમાં હજુ પણ જાતિગત ભેદભાવ અને હિંસાની માનસિકતા જીવંત હોવાની ચોંકાવનારી સાબિતી આપે છે.
આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ઘટનાની મળેલી માહિતી મુજબ ગત 16મી ઓગસ્ટના રોજ બપોરે એક દલિત યુવક પોતાના મિત્રને મળવા ગયો હતો ત્યારે એક છોકરો ભાગતો-ભાગતો તેની પાસે આવ્યો અને જણાવ્યું હતું કે મને બચાવો, મારા ભાઈને ઉપાડી ગયા છે. માનવતાના ધોરણે મદદ કરવા માટે દલિત યુવક અને તેનો મિત્ર સ્વામી વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડ તરફ ગયા, જ્યાં ઝઘડો ચાલી રહ્યો હતો. અહીં ત્રણ રબારી યુવકો ઊભા હતા.
રબારી યુવકોએ દલિત યુવકને પૂછ્યું- ક્યાંથી આવે છો? તો દલિત યુવકે જવાબ આપ્યો-કડિયાવાડમાંથી આ સાંભળીને ત્રણેય આરોપી ઉશ્કેરાઈ ગયા. આરોપીઓમાંથી એક હિતેશ મોરી અને તેના બે અજાણ્યા મિત્રોએ દલિત યુવકને જેમ ફાવે તેમ ગાળો ભાંડી અને તેના પર હુમલો કર્યો. આરોપીઓએ દલિત યુવકને એટલો બેરહેમીથી માર માર્યો કે તેમના શરીર પર ગંભીર ઈજાનાં નિશાનો ઊપસી આવ્યાં હતાં. પટ્ટાથી માર મારવાના કારણે શરીર પર એની છાપ પણ સ્પષ્ટ દેખાતી હતી.
આ ઘટનામાં પીડિત દલિત યુવકે જણાવ્યું હતું કે તે લોકોએ મને પટ્ટાથી અને ઢીંકાપાટુથી ખૂબ જ ઢોરમાર માર્યો. માર મારીને નીચે પાડી દીધા બાદ મોબાઈલ પણ લૂંટી લીધો હતો અને જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.હાલ પીડિત યુવક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. દલિત યુવકે આ મામલે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.