પાટડીના માલવણમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવાન સાથે મારામારી
માલવણ ગામમાં એક યુવાન પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. શરીફખાન મલેક (ઉંમર 32) નામના યુવાને બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ચાર મહિના પહેલા શરીફખાન નગરખાન મલેકને તેમની પત્ની સાથે ફરિયાદીના આડા સંબંધની શંકા હતી. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે ફરિયાદી જ્યારે બજાણા ગામેથી વર્ના કારમાં ડીઆઈએફડી કંપનીમાં નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે કંપનીના ગેટ નજીક બે મોટરસાઇકલ પર આવેલા ચાર શખ્સોએ તેમને રોક્યા હતા.
આરોપીઓમાં શરીફખાન નગરખાન મલેક, મોહસીનખાન ઇસબખાન મલેક, સમીરખાન નગરખાન મલેક (ત્રણેય માલવણના રહેવાસી) અને આમીનખાન નસીબખાન મલેક (રામગ્રી) સામેલ હતા. આમીનખાનના હાથમાં પિસ્તોલ જેવું હથિયાર હતું, જ્યારે અન્ય ત્રણ પાસે લોખંડના પાઇપ હતા.
હુમલાખોરોએ ફરિયાદીને કારમાંથી નીચે ઉતાર્યા બાદ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. બચાવ માટે હાથ આડો કરતા ફરિયાદીનો ડાબો હાથ ભાંગી ગયો હતો. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત ફરિયાદીને તેમના ભાઈઓએ સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. એક્સ-રેમાં કલાઈની બંને હાડકાની નળીઓ તૂટી ગયાનું જણાયું હતું. ડોક્ટરોએ ઓપરેશન કરી હાથે પાટો બાંધ્યો હતો.