ખંભાળિયામાં કારમાં ગરબા વગાડતા જતા યુવાન પર હુમલો, મારી નાખવાની ધમકી
30 જેટલા લોકોએ ધમકી આપી હુમલો કરતા ફરિયાદ નોંધાઈ
ખંભાળિયામાં રહેતા એક યુવાન સોમવારે રાત્રિના સમયે તેમની મોટરકારમાં જઈ રહ્યા હતા ત્યારે એક મસ્જિદ પાસેથી નીકળતી વખતે તેમની કારમાં ગરબા વાગતા હોવાથી અહીં રહેલા 30 જેટલા મુસ્લિમ લોકોએ તેમને અટકાવીને બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના વાણીયાવાડી વિસ્તારમાં રહેતા અને પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા ખુશાલભાઈ વિજયભાઈ ગોકાણી નામના 34 વર્ષના યુવાન સોમવારે રાત્રિના આશરે એકાદ વાગ્યાના સમયે તેમના મિત્રની જી.જે. 19 બી.ઈ. 0777 નંબરની કિયા મોટરકાર લઈ અને દ્વારકા ગેઈટ તરફથી તેમના મિત્ર કરણભાઈ જોશીને તેમના ઘરે ઉતારીને પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા.
ખુશાલભાઈ ગોકાણી તેમની કારમાં ગરબાના ગીતો વગાડી રહ્યા હતા. તે દરમિયાન અહીંની મદીના મસ્જિદ પાસે પહોંચતા આ સ્થળે મુસ્લિમ લોકોની મજલીસ ચાલી રહી હતી. ત્યાં કેટલાક લોકો એકત્ર થઈ ગયા હતા અને તેમની કારને અટકાવીને કહેલ કે અમારા મુસ્લિમ સમાજનો મજલીસનો પ્રોગ્રામ ચાલુ હોય તેમ જાણતા હોવા છતાં અહીં તમારી કારમાં ગરબા વગાડતા કેમ નીકળો છો ? તેમ કહીને બિભત્સ ગાળો કાઢી, હતી. અહીં રહેલા આરોપી લાલો શેખ અને રૂૂસ્તમ તેમજ તેની સાથે અજાણ્યા આશરે 25 થી 30 જેટલા શખ્સોએ ઉશ્કેરાઈને તેમનો કોલર પકડી ફરી પાછો આ બાજુથી નીકળશે તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ ગેરકાયદેસર મંડળી રહેતી અને હુમલો કરવા ખંભાળિયા પોલીસે ખુશાલ ગોકાણીની ફરિયાદ પરથી આરોપી લાલો શેખ, રૂૂસ્તમ તેમજ અજાણ્યા 25 થી 30 જેટલા શખ્સો સામે ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવના અનુસંધાને ખંભાળિયા પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અને જરૂૂરી બંદોબસ્ત તેમજ વ્યવસ્થા ગોઠવી અને આરોપીઓની અટકાયત માટેની કાર્યવાહી કરી હતી.