શાપર-વેરાવળમાં 11 વર્ષની બાળકી ઉપર યુવાને અનેક વખત આચર્યુ દુષ્કર્મ
મોબાઈલ ફોન પર સંપર્ક કર્યા બાદ અવાર નવાર લલચાવી ફોસલાવી આરોપીએ પોતાના જ ઘરમાં બોલાવી હેવાનીયતતા આચરી : ધરપકડ
રાજકોટ શહેરની ભાગોળે આવેલ શાપર-વેરાવળ ઓદ્યોગિક વિસ્તારમાં સગીરાઓને ભગાડી જવાના અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. જેમાં વેરાવળ વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકીને મોહજાળમાં ફસાવી પાડોશી યુવાને અનેક વખત પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વિશેષ પુછપરછ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં રહેતી મહિલાએ પોલીસમાં નોધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પડોશમાં રહેતા રોહિત મનીષ વાઘેલા ઉ.વ.21નું નામ આપ્યું છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બે મહિના પહેલા આરોપીએ ફરિયાદીની 11 વર્ષની સગીર પુત્રીનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ ફોન ઉપર અવાર નવાર વાતચીત કરી મોહજાળમાં ફસાવી હતી. સગીર તરૂણીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ 20 દિવસ પહેલા આરોપીએ પોતાના ઘરે સગીરાને મળવા બોલાવી હતી.
આરોપીએ પોતાના જ ઘરમાં એકલતાનો લાભ લઈ સગીર બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું અને કોઈને કઈશ તો સારાવાટ નહીં રહે તેવી ધમકી પણ આપી હતી. ગભરાઈ ગયેલી તરૂણીએ બનાવની કોઈને જાણ કરી ન હતી જેના કારણે આરોપીની હિંમત વધી જતા અવાર નવાર સગીરાએ ફોન કરી પોતાના ઘરે મળવા બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.
છેલ્લા 20 દિવસથી બાળકી ગુમસુમ રહેતી હોય માતાને શંકા જતા આ બાબતે બાળકીની પુછપરછ કરતા સગીરાએ પોતાની આપવીતી વર્ણવી હતી. ત્યાર બાદ શાપર પોલીસને જાણ કરતા પીએસઆઈ આર.કે. ગોહિલના સ્ટાફે બાળકીનું કાઉસ્લીંગ કર્યા બાદ સગીરાની માતાની ફરિયાદના આધારે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પાડોશી નરાધમ રોહિત મનીષ વાઘેલાની ધરપકડ કરી હતી.
પોલીસે ભોગ બનનાર સગીરા અને આરોપીનું મેડીકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે શાપર-વેરાવળ પંથકમાં ભારે ચકચાર જગાવી છે અને લોકો નરાધમ યુવાન પર ફિટકાર વરસાવી રહ્યા છે.