મોરબીના પાંચવડાથી ચોટીલા દર્શને જતા યુવકને રસ્તામાં કાળ ભેટ્યો: બે મિત્રને ઇજા
મૂળ દાહોદ પંથકના વતની અને હાલ મોરબીના પાંચવડા ગામે કારખાનામાં કામ કરતો શ્રમિક યુવાન પોતાના બે મિત્રો સાથે બાઈક લઈને ચોટીલા દર્શન કરવા જતો હતો. ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાઈક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે બે મિત્રોને ઇજા પહોંચી હતી. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ દાહોદ પંથકના વતની અને હાલ મોરબીના પાંચવડા ગામે કારખાનામાં કામ કરતા શૈલેષ રમેશભાઈ બામણીયા નામનો 22 વર્ષનો યુવક પોતાના બે મિત્રોને બાઈક પાછળ બેસાડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ચોટીલા દર્શન કરવા જતો હતો ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે પહોંચતા ડમ્પરના ચાલકે અચાનક વળાંક લેતા બાઈક ટ્રક સાથે અથડાયું હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શૈલેષ બામણીયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક શૈલેષ બામણીયા મૂળ દાહોદ પંથકનો વતની હતો અને હાલ અહીંયા હાલ પાંચવડા ગામે કારખાનામાં કામ કરતો હતો શૈલેષ બામણીયા ત્રણ ભાઈમાં હતો અને ગઈકાલે બે મિત્રોને બાઈક પાછળ બેસાડી ચોટીલા દર્શન કરવા જતો હતો ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.