ટંકારાના હડમતિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો
ચોટીલામાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતો યુવાન કડિયા કામ કરી પોતાનું બાઈક લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ટંકારાના હડમતીયા ગામ પાસે અજાણ્યા આઇસર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સજાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ચોટીલામાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા કલ્પેશ રાજુભાઈ કટોસણીયા નામનો 24 વર્ષનો યુવાન ગત તા.17 ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને ટંકારાના હડમતીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા આઇસરના ચાલકે ઠાકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક કલ્પેશ કટોસણીયાને સંતાનમાં એક પુત્રી છે અને કડીયા કામ કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
