મોરબી નજીક બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો
ચાર દિવસ પૂર્વે કાર પરથી ઘરે જતી વખતે બાઇક સ્લીપ થતા ઘટના ઘટી’તી
મોરબીમાં મહેન્દ્ર ચોકડી પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા આધેડ ચાર દિવસ પૂર્વે કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે મોરબી નજીક ચાલતા રોડના કામના કારણે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા જીતેશભાઈ અમૃતભાઈ મોટેરિયા નામના 50 વર્ષના આધેડ ચાર દિવસ પૂર્વે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને મોરબી નજીક હળવદ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ બે ભાઈમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્રી છે અને કંપનીમાં કામ કરી પરત ફરતા હતા ત્યારે રોડનું કામ ચાલુ હોવાથી બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.