રાજકોટથી MP જતો યુવાન લુણસરીયા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોત
રાજકોટમાં મજુરી કામ કરતો શ્રમિક યુવાન મધ્યપ્રદેશ પોતાના વતનમાં જતો હતો ત્યારે લુણસરીયા ગામ પાસે શ્રમિક યુવાન ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રહેતો મખન ગોલુરામ કલેશરીયા નામનો 30 વર્ષનો યુવાન રાજકોટથી મધ્યપ્રદેશ વતનમાં જતો હતો ત્યારે લુણસરીયા ગામ પાસે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક યુવાન ચાર ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય બનાવમાં મોરબીમાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈ મોરબીમાં આદિનગર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાર અન્ય બાઈક સાથે અકસ્માત થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં જામનગરના જીવાપર ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઈને કંપનીમાં કામ ઉપર જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ સારવારમાં દમ તોડયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.