યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યોગેશ્ર્વર પાર્કના યુવાનનુ પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યુ છે. સવારે છાતીમાં દુખાવો થતા બનેવી સાથે દવા લઇ ઘરે આવ્યા બાદ ઢળી પડતા મોત નીપજ્યુ હતુજાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર યોગેશ્ર્વર પાર્કમાં રહેતા નિલેશભાઇ રામકૃષ્ણભાઇ વૈષ્ણવ (ઉ.વ.38) આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો થતો હોવાથી પ્રેસ કોલોનીમાં રહેતા બનેવી કૃષ્ણકાંતભાઇ દેવમુરારીના ઘરે ગયા હતા.
જયાંથી બનેવી સાથે દવા લેવા ગયા અને પરત બનેવીના ઘરે આવ્યા ત્યારે સીડી ઉતરતી વેળાએ બેભાન થઇ ઢળી પડતા તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતુ. હાર્ટએટેકથી મૃત્યુ થયાનુ જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં મૃતક નિલેશભાઇ મુળ વિંછીયાના બેલડા ગામના વતની અને બે વર્ષથી અહિં રહે છે. તેઓ ત્રણ બહેનના એકના એક મોટાભાઇ હતા તેમને સંતાનમાં એક પુત્ર છે. આ બનાવથી એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
બેડીપરામાં આધેડનું શ્ર્વાસની બિમારીથી મોતભાવનગર રોડ પર બેડીપરામાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા માનસિંગ ચનાભાઇ પાટડીયા (ઉ.વ.50) નામના આધેડનું પોતાના ઘરે શ્ર્વાસની બિમારીથી મોત નીપજ્યું હતુ આ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.