જૂનાગઢના બાટવા ગામે મોસાળમાં ગયેલા રાજકોટના યુવકનું તાવ-આંચકીથી મોત
બે બહેનોનો એકનો એક ભાઈ 8 દિવસથી મામાના ઘેર આંટો આવ્યો’તો
રાજકોટમાં રહેતો યુવાન જૂનાગઢના બાટવા ગામે રહેતા મોસાળમાં આંટો ગયો હતો. જ્યાં યુવકને તાવ અને આંચકીથી મોત નિપજ્યું હતું.બે બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં મુંજકા વિસ્તારમાં આવેલી પરિશ્રમ સોસાયટીમાં રહેતો ધાર્મિક સુભાષભાઈ ભટ્ટ નામનો 20 વર્ષનો યુવાન જૂનાગઢના બાટવા ગામે તેના મામાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ફરજ પરના તબીબે યુવકનું તાવ અને આંચકી આવતાં મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને છેલ્લા આઠ દિવસથી મોસાળમાં આંટો મારવા ગયો હતો. જ્યાં યુવકનું તાવ અને આંચકીથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બાટવા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.