મોરબીનો યુવાન કસીનો-શેરબજારમાં 13 લાખ હારી જતા ઘરેથી જતો રહ્યો’તો
અઠવાડિયા પૂર્વે પોલીસમાં ગુમનોંધ થઇ હતી: આઠ લાખ કસીનો અને પાંચ લાખ શેરબજારમાં હારી ગયો હતો
મોરબીના સનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડની દુકાને જવાનું કહીને ઘરેથી નીકળેલી યુવાન ગુમ થઈ ગયો હતો. જેથી ગુમસુધા ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. જેથી પોલીસ તથા પરિવાર તેને શોધી રહ્યા હતા. દરમિયાન તે યુવાન હેમખેમ મળી આવ્યો છે અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ યુવાન ઓનલાઈન કસીનો અને શેર બજારમાં 13 લાખ રૂૂપિયા જેટલી રકમ હારી ગયેલ હોવાથી તેના ઉપર દેવું થઈ ગયું હતું. જેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર માર્કેટયાર્ડમા આવેલ તેની દુકાને જવાનું કહીને મોરબી તાલુકાના જેતપર ગામે મોટી શેરીમાં રહેતો પવન દિનેશભાઈ કલોલા (22) નામનો યુવાન ગત તા. 9/8ના રોજ સાંજે 7:15 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ તે યુવાન ગુમ થઈ ગયો હતો. જેને ઘરમેળે શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો મળી આવેલ ન હતો. જેથી ગુમ થયેલ પવનના પિતા દિનેશભાઈ ચતુરભાઈ કલોલા (રહે. જેતપર મોરબી)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવીને પોતાનો દીકરો મોરબી માર્કેટયાર્ડમાંથી ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસ અને પરિવારજનો તે યુવાનને શોધી રહ્યા હતા અને આ યુવાન હેમખેમ મળી આવેલ છે તેવી માહિતી તપાસ કરી રહેલા જે.એ. ઝાલા પાસેથી માહિતી મળી આવેલ છે. વધુમાં મળી રહેલ માહિતી મુજબ પવન કલોલ ઓનલાઇન કેસીનોમાં આઠ લાખ અને શેર બજારમાં પાંચ લાખ જેટલી રકમ હારી ગયેલ છે. જેથી કરીને તેના ઉપર દેણું થઈ જવાના કારણે તે કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો. તેવી પ્રાથમિક વિગત સામે આવેલ છે. જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.