મીઠાપુરની ફેકટરીમાં વેગન વચ્ચે દબાઇ જતા મોજપના યુવકનું મોત
મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા દેવભાઈ સોમાભાઈ પારીયા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે મંગળવારે ટાટા કંપનીની અંદર આવેલી પેરીફેરી યાર્ડની લાઈન નંબર 6 ખાતે કામ કરી રહ્યા હતા. ત્યારે અકસ્માતે તેમનો પગ સ્લીપ થઈ જતા તેમણે શરીર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને સામેથી આવતા વેગન તથા પ્લેટફોર્મ વચ્ચે આવી જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જેઠાભાઈ ખીમાભાઈ પારીયાએ મીઠાપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
ઓખાના દરિયામાં ડૂબી જતા માછીમાર પ્રૌઢનું મૃત્યુ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા કાળીદાસભાઈ રવજીભાઈ હળપતિ નામના 54 વર્ષના માછીમાર પ્રૌઢ ગત તારીખ 31 ના રોજ રાત્રિના સમયે ઓખા નજીકના દરિયામાં બોટમાં હતા. ત્યારે તેમને રાત્રિના સમયે લઘુશંકા માટે ઉઠ્યા ત્યારે પેશાબ-પાણી કરતી વખતે દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ દયાળજીભાઈ સરવતભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
દ્વારકાના વસઈ ગામે પ્રૌઢે ગળાફાંસો ખાધો
દ્વારકા તાલુકાના વસઈ ગામે રહેતા ટપુભા જીમલભા કેર નામના 55 વર્ષના પ્રૌઢએ સોમવારે રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પંખાના હુકમાં કપડાં વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. જે અંગેની જાણ મૃતકના પુત્ર ધર્મેશભા ટપુભા કેરએ દ્વારકા પોલીસને કરી છે.
