ધ્રાંગધ્રાના કોંઢ ગામે પત્નીને તેડવા જતાં હળવદના યુવાનનું બાઈક અકસ્માતમાં મોત
હળવદમાં રહેતો યુવાન ધાંગધ્રાના કોંઢ ગામે આટો ગયેલી પત્નીને બાઈક લઈને તેડવા જતો હતો ત્યારે ઘવાણા ગામ પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. હળવદ ખાતે રહેતો અમિત જગદીશભાઈ પોપેણીયા નામનો 26 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે બપોરના બે વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને ઘવાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું જે બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક અમિત ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો અમિતના મોટાભાઈ વિપુલનું છ મહિના પહેલા અકસ્માતમાં મૃત્યુ નીપજતા ભાભી પાયલબેન સાથે અમિતે દિયરવટુ વાળ્યું હતું અને પત્ની પાયલબેન કોંઢ ગામે માવતરે આંટો ગઈ હતી ત્યારે અમિત બાઈક લઈને પાયલબેનને તેડવા જતો હતો ત્યારે બાઈક અકસ્માતમાં મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.