બાબરિયા કોલોનીના યુવાનનો જંતુનાશક પાઉડર પી આપઘાતનો પ્રયાસ
આજી ડેમ ચોકડી પાસે લોહીની ઉલ્ટી થતાં શ્રમિક યુવાનનું મોત
શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા બાબરીયા કોલોનીમાં રહેતાં યુવાને જામનગર રોડ પર રૂડા બિલ્ડીંગ નજીક જંતુનાશક પાવડર પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે આજી ડેમ ચોકડી પાસે લોહીની ઉલ્ટી થતાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. બાબરીયા કોલોની શેરી નં.3માં રહેતાં સુધીર ઘનશ્યામભાઈ ટાંક (ઉ.32) નામના યુવાને આજે સવારે રૂડા બિલ્ડીંગ નજીક એ.બી.સી.કવાર્ટર પાસે કોઈ કારણોસર વંદા મારવાનો પાવડર પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર સુધીર લાદી કામ કરતો હોવાનું અને કોઈ ટેન્શનના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.જ્યારે બીજા બનાવમાં આજી ડેમ ચોકડી નજીક આનંદનગર શેરી નં.3માં રહેતો પીન્ટુ બનારસભાઈ તાતી (ઉ.40) નામનો યુવાન આજે સવારે તેનાં ઘરે હતો ત્યારે લોહીની ઉલ્ટી થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહિં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં પિન્ટુ મુળ બિહારનો વતની અને હાલ આજી ડેમ ચોકડી પાસે રહી ભઠ્ઠીના કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
