ભરૂડી ટોલનાકા પાસે કાર અકસ્માતમાં બે મિત્રોની નજર સામે જ યુવકનું મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં ગોંડલના હડમતાળા ગામે રહેતો યુવાન મિત્રો સાથે કાર લઈને જમવા જઈ રહ્યો હતો ત્યારે ભરુડી ટોલ નાકા પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભી રીતે ઘવાયેલા યુવકનું બે મિત્રોની નજર સામે જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના હડમતાળા ગામે રહેતા દિવ્યરાજસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.24) ગોંડલમાં રહેતા તેના મિત્ર નરેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.28) તેમજ કુલદીપસિંહ જાડેજા (ઉ.વ.25) રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાની કાર લઈને ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભરૂૂડી ટોલ નાકા પાસે કાર પલટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં ઘવાયેલા ત્રણેય મિત્રોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા દિવ્યરાજસિંહ જાડેજાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિવ્યરાજસિંહ જાડેજા બે ભાઈ એક બહેનમાં નાના અને અપરિણીત હતા તેમજ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. દિવ્યરાજસિંહ જાડેજા પોતાના બંને મિત્રો સાથે ગોંડલ હાઇવે ઉપર આવેલી હોટલમાં જમવા માટે જતા હતા ત્યારે કારનું ટાયર ફાટતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.