જામનગરમાં MTS કંપનીમાં કામ કરતી વખતે બીજા માળેથી પટકાયેલા યુવાને દમ તોડયો
શાપરમાં યુવાનને અજાણ્યા શખ્સોએ પાઈપ વડે માર માર્યો
જામનગરમાં રિલાયન્સ કંપનીમાં રહેતો પરિણીત યુવાન એમ.ટી.એસ.કંપનીમાં સાઈટ પર કામ કરતો હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકનું સારવારમાં મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં આવેલ રિલાયન્સ કંપનીમાં રહેતો સુશાંત સુરેન્દ્ર મહંત નામનો 24 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે એમટીએસ કંપનીમાં ચાલતી સાઈટ પર કામ કરતો હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં શાપરમાં આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતો રોહિત અમુભાઈ પરમાર નામનો 22 વર્ષનો યુવાન સંધ્યા ટાણે નર્મદા ગેઈટ પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
