વીરપુરના વાડા ડુંગરામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત
વીરપુરના વાડા ડુંગરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વીરપુરના વાડા ડુંગરા ગામે રહેતા અજયભાઈ વલ્લભભાઈ લાલકીયા નામનો 32 વર્ષનો યુવાન ગત તા.13 ના રોજ પોતાના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી.
યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલમાં માર્કેટયાર્ડ પાછળ આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અમૃતલાલ જયંતિલાલ ટીલાવત નામના 67 વર્ષના વૃદ્ધ સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી.
વૃદ્ધનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.