ખંભાળીયામાં કેશોદ ગામે ઝેર પી યુવાનનો આપઘાત
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા સંજય ઉર્ફે ભાવેશ સામતભાઈ મૂછડિયા નામના 30 વર્ષના યુવાને ગત તા. 24 મી ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ખંડમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા સામતભાઈ ભીમાભાઈ મૂછડિયાએ અહીંની પોલીસને કરી છે.
જ્યારે બીજા બનાવમાં, મીઠાપુર નજીક આવેલા આરંભડા ગામે ગઈકાલે રવિવારે ચીખલી તળાવમાં એક અજાણ્યા યુવાનનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા મીઠાપુર પોલીસને કરવામાં આવી હતી. આશરે 40 થી 45 વર્ષની વયના આ અજાણ્યા યુવાનનું તળાવમાં કોઈ કારણોસર ડૂબી જવાના લીધે મૃત્યુ નિપજ્યું હોવા અંગેની નોંધ સ્થાનિક રહીશ ચેતનભાઈ મોરી દ્વારા મીઠાપુર પોલીસમાં કરાવવામાં આવી છે. જેને અનુલક્ષીને મીઠાપુર પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.
ખંભાળિયાના પત્રકારને મારી નાખવાની ધમકી: બે શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયાના નાગર પાડો વિસ્તારમાં રહેતા અને પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા કરણભાઈ વસંતરાય જોશી નામના 37 વર્ષના યુવાન સાથે તેમની રિપોર્ટિંગ અંગેની કામગીરી દરમિયાન રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે કોઈ બાબતે બોલાચાલી કરી અને માંઝા ગામના રહીશ હરેશ ઉર્ફે હરીશ રાજાભાઈ કારીયા અને એક અજાણ્યા શખ્સ દ્વારા બિભત્સ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
દ્વારકાધીશ મંદિર નજીક પાન-મસાલાનું વેચાણ કરતા ચાર સામે કાર્યવાહી
યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરના પૂર્વ દરવાજા પાસે પાન મસાલાનું વેચાણ કરતા અશોકભાઈ વલ્લભભાઈ પરમાર તેમજ આ જ વિસ્તારમાં અન્ય એક આસામી નાથાલાલ હિંમતલાલ અગ્રાવત અને સુદામા સેતુ ચોક પાસે પાન મસાલાનું વેચાણ કરતા કેતનભાઈ મોહનભાઈ વિઠ્ઠલાણી તથા આ જ રીતે આનંદ હમીરભાઈ વરુ નામના કુલ ચાર દુકાનદારો સામે સ્થાનિક પોલીસે જાહેરનામા ભંગની કલમ 223 મુજબ કાર્યવાહી કરી હતી.
સલાયા નજીક પ્રતિબંધિત ટાપુ પર માછીમારી કરતા શખ્સ સામે ગુનો
ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા જુસબ કરીમ ગજણ નામના 45 વર્ષના શખ્સ દ્વારા અવરજવર અને માછીમારી કરવા સામે પ્રતિબંધિત એવા કાળુભાર ટાપુ પાસે માછીમારી કરતા સલાયા મરીન પોલીસે ઝડપી લઇ, તેની સામે કલમ 223 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
ખંભાળિયા, દ્વારકામાં ચાર જુગારીઓ ઝડપાયા
ખંભાળિયાના નગર ગેઈટ ચોક વિસ્તારમાંથી પોલીસે ચંદ્રેશ જયંતીલાલ મારુ અને મનીષ હરગોવિંદભાઈ મશરૂૂ નામના બે શખ્સોને તેમજ દ્વારકા પોલીસે શિવરાજપુર ગામના પાટીયા પાસેથી અનિલ રામલખન નિષાદ અને શરદ નટવરલાલ ચુડાસમા નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લઇ, આ તમામ ચાર શખ્સો સામે સ્થાનિક પોલીસે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
