પિતાએ કામ બાબતે ઠપકો આપતા તરૂણનો ઝેરી દવા પી આપઘાત
ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામના બનાવથી પરિવારમાં ગમગીની
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે રહેતા અને ખેતમજુરી કરતા પરિવારના 18 વર્ષીય પુત્રને પિતાને કામ બાબતે મીઠો ઠપકો આપ્યો હતો. ત્યારે પુત્રને લાગી આવતા ઝેરી દવા પી મોતને વહાલુ કર્યુ છે.
આજના કળીયુગમાં લોકોમાં જાણે સહનશીલતા નામની ન રહી હોય તેમ લોકોને નાની વાતોમાં માઠુ લાગી જાય છે. અને પોતાના જીવનનો અંત આણી દે છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં પણ આવા જ કિસ્સામાં પરિવારે પોતાનો યુવાન પુત્ર ગુમાવ્યો છે. આ અંગે મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે રહેતા શંભુભાઈ લોદરીયાને સંતાનમાં 3 પુત્ર અને 1 પુત્રી છે. 3 પુત્રોમાં વચેટ પુત્ર સુજાન 18 વર્ષીય છે. સુજાનને તેના પિતાએ કામ બાબતે મીઠો ઠપકો આપ્યો હતો. જેમાં સુજાનને લાગી આવતા તેણે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.
આ અંગેની જાણ થતા પરિવારજનો દ્વારા પ્રથમ તેને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. પરંતુ સારવાર કારગર નીવડે તે પહેલા સુજાનનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દોડી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
