નાકરાવાડી ડમ્પિંગ સ્ટેશનમાં હિટાચી હેઠળ દબાઈ જતાં શ્રમિક યુવાનનું મોત
મોડી રાત્રીના બનાવ બન્યાની શંકા : સવારે જાણ થતાં પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નાકરાવાડી ડમ્પીંગ સ્ટેશનમાં ગત મોડીરાત્રે કચરાની કામગીરી દરમિયાન હિટાચી મશીન હેઠળ દબાઈ જતાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, નાકરાવાડી ડમ્પીંગ સ્ટેશનની સાઈટ ઉપરથી આજે સવારે યુવાનની લાશ મળી આવી હતી.
જેને ગળાના ભાગે તથા પેટ ઉપર ઈજાના નિશાન હોય સ્થાનિક લોકોએ 108ને જાણ કરતાં 108નાં સ્ટાફે દોડી જઈ અજાણ્યા યુવાનને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક મુળ યુપીનો અને હાલ ડમ્પીંગ સ્ટેશન સાઈટ પાસે ઝુપડામાં રહેતા કમલેશ પ્રતાપભાઈ ભુરીયા (ઉ.30) હોવાનું ખુલવા પામ્યું હતું.
વધુ તપાસમાં મૃતક ડમ્પીંગ સ્ટેશનની સાઈટ ઉપર મજુરી કામ કરતો હોવાનું અને ગઈકાલે રાત્રે કામ કરતો હતો ત્યારે હીટાચી મશીન હેઠળ દબાઈ જતાં તેનું મોત નિપજ્યાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.